ફાઇનલ મેચમાં ઇટાલિયન ખેલાડી બેરેટીનીને મ્હાત આપી ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ સ્થાપ્યો
નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ફાઇનલ જીતીને ઇતિહાસ રચ્યો છે. હાલ સુધી જોકોવિચે કુલ ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જ્યારે વિમ્બલ્ડન ફાઇનલ જીતીને જોકોવિચ ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વિમ્બલ્ડન ફાઇનલમાં જોકોવિચ સામે ઇટલીનો ખેલાડી બેરેટીની ટકરાયો હતો પરંતુ જોકોવિચે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વના નંબર ૧ ખેલાડી હોવાનું પુરવાર કરી દીધું હતું.
સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર જોકોવિચે ઈટાલીના બેરેટ્ટીનીને ચાર સેટના સંઘર્ષ બાદ ૬-૭ (૪-૭), ૬-૪, ૬-૪, ૬-૩થી હરાવીને કારકિર્દીનું રેકોર્ડ ૨૦મું ગ્રાન્ડ સ્લેમ જીતી લઈને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર અને નડાલના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. યોકોવિચે આ સાથે વિમ્બલડનમાં ટાઈટલ જીતવાની હેટ્રિક સર્જવાની સાથે ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે કુલ છઠ્ઠી વખત ગ્રાસ કોર્ટ પર રમાતી ગ્રાન્ડ સ્લેેમ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.
સેન્ટર કોર્ટ ખાતે રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઈનલમાં જોકોવિચે ત્રણ કલાક અને ૨૪ મિનિટના સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. આ સાથે તેણે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન બાદ વર્ષનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન જીતી લીધું હતુ. રસપ્રદ રેકોર્ડ એ રહ્યો કે, જોકોવિચે તેના ત્રીજા ચેમ્પિયનશિપ પોઈન્ટ પર વિમ્બલ્ડનની હેટ્રિક પૂર્ણ કરી હતી.
બેરેટ્ટીનીએ આત્મવિશ્વાસ સાથે શરૃઆત કરતાં પ્રથમ સેટ ટાઈબ્રેકરને સહારે જીતી લીધો હતો. જે પછી જોકોવિચે જબરજસ્ત પુનરાગમન કરતાં બીજા સેટમાં ૪-૦થી સરસાઈ મેળવ્યા બાદ ૬-૪થી જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ જોકોવિચે મેચ પર નિયંત્રણ મેળવી લીધું હતુ અને ત્રીજો સેટ ૬-૪થી જીતી લીધો હતો. બેરેટ્ટીનીએ કેટલાક દર્શનીય સ્ટ્રોક ફટકાર્યા હતા અને જોકોવિચ પર દબાણ સર્જ્યું હતુ, પણ તે તેની સર્વિસ બ્રેક કરી શક્યો નહતો અને આખરે ચોથા સેટમાં ૬-૩થી હાર્યો હતો.