ફાઇનલમાં નોર્વેના કેસપર રુડને મ્હાત આપી ટાઇટલ જીત્યું : રાફેલ નાદાલના 22 ટાઇટલનો રેકોર્ડ પણ તોડ્યો
સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે ફ્રેન્ચ ઓપન 2023ની ફાઈનલમાં કેસ્પર રૂડને હરાવી 23મું ગ્રાન્ડ સ્લેમ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તેણે સર્વાધિક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના મામલામાં રાફેલ નડાલ કે જે 22 ગ્રાન્ડસ્લેમ જીત્યો છે તેને પાછળ છોડી દીધો છે. જોકોવિચે ફાઈનલમાં કેસ્પર રૂડને 7-6(1), 6-3, 7-5થી પરાજય આપ્યો હતો.
નોવાક જોકોવિચે શુક્રવારે ફ્રેન્ચ ઓપન 2023ની સેમીફાઈનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવી પોતાના 23માં ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તે 23 ગ્રાન્ડ સ્લેમ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે રાફેલ નડાલ (22) નો રેકોર્ડ તોડી દીધો છે. ટેનિસના પૂર્વ દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે પોતાના કરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા.
સર્બિયાના 36 વર્ષીય જોકોવિચે 7-6(1), 6-3, 7-5 થી જીત મેળવી હતી. રોલાં ગૈરો પર 14 વખતનો ચેમ્પિયન રાફેલ નડાલ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહીં. જોકોવિચે 2016 અને 2021માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ કબજે કર્યું હતું. તે ટેનિસના ઈતિહાસમાં દરેક ગ્રાન્ડ સ્લેમને ઓછામાં ઓછા ત્રણ વખત જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે દસ વખત ઓસ્ટ્રેલિયન ઓપન, સાત વખત વિમ્બ્લડન અને ત્રણ અમેરિકી ઓપન ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.