કોરોનાકાળ સમાપ્ત થયા બાદની પ્રથમ દિવાળી, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી: બજારોમાં રોનક
દિવાળી જેવું કંઈ લાગતું નથી…સામાન્ય રીતે દર વર્ષે વેપારીઓના મોઢેથી આ ઉદગાર નીકળતા હોય છે પણ આ વર્ષે તો વેપાર ધંધા પુરબહારમાં ખીલ્યા છે. આ ઉદગાર ભૂતકાળ બની ગયા છે. સ્થાનિક વેપાર ધંધામાં ઉછાળો અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપી રહ્યો છે.
આગામી 24મીએ પ્રકાશનું પર્વ ગણાતો દિવાળીનો પર્વ છે. હિન્દૂ ધર્મમાં આ તહેવારનું મહત્વ ખૂબ વધુ છે. અગાઉના વર્ષોમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઉજવણીને ઘણી અસર થઈ હતી. જેના પગલે આ વખતે દિવાળીની ઉજવણીમાં લોકોનો ઉત્સાહ બેવડાયો છે.
દિવાળીનો માહોલ દેશભરમાં છેલ્લા એક અઠવાડિયાથી જામ્યો છે. તમામ શહેરોની મુખ્ય બજારોમાં લોકોની ભીડ જામવા લાગી છે. લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હોય, બજારોમાં રોનક જામી રહી છે. આમ રૂપિયાનું સ્થળાંતર મોટા પાયે શરૂ થઈ ગયું છે. જે અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. હાલ દિવાળીનો પર્વ અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપી રહ્યો છે.
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે તેજી, છેલ્લા ત્રણ વર્ષનું સાટુ વળી ગયું
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે તેજી આવી છે. ખાસ કરીને ગુજરાતમાં આ ક્ષેત્રને દિવાળીનો બુસ્ટર ડોઝ મળ્યો છે. ગુજરાતીઓ તહેવાર ઉપર મોટા પ્રમાણમાં ફરવા જવાનો શોખ ધરાવતા હોય દેશભરમાં પર્યટન સ્થળોએ હોટેલોમાં હાઉસફુલના પાટિયા લાગવા માંડ્યા છે. આ ઉપરાંત ટ્રેન-ફ્લાઇટ પણ હાઉસ ફૂલ થઈ ગયા છે. બીજી તરફ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વાહનોના બુકીંગ પણ હાઉસ ફૂલ થઈ ગયા છે. કોરોના કાળમાં આ ક્ષેત્રને જે નુકસાન થઈ ગયું હતું. તેનાથી અનેક ગણી આવક આ દિવાળીએ થવાનો અંદાજ છે.
ઓનલાઈન પ્રોડક્ટ વેચાણ કરતી કંપનીઓને પણ બખ્ખા
ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતી કંપનીઓને દિવાળીની સીઝનમાં બખ્ખા થયા છે. હાલ ઓનલાઈન ખરીદીનું ચલણ વધ્યું હોય, લોકો મોટા પ્રમાણમાં ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. આંકડા મુજબ એમેઝોન, ફ્લિપકાર અને વોલમાર્ટનું વેચાણ એક વર્ષ પહેલાંની સરખામણીએ 22-30 સપ્ટેમ્બરની વચ્ચે તહેવારની સિઝનના 45000 કરોડનું વેચાણ થયું હતું. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે દિવાળીની સીઝનમાં તો ઓનલાઈન વેચાણ જુના અનેક રેકોર્ડ તોડશે.