લાભ પાંચમથી ફરી માર્કેટીંગ યાર્ડો ધમધમતા થશે

અબતક-રાજકોટ

દિવાળીના તહેવારના આડે હવે બે દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન પડી જશે. સતત છ દિવસ સુધી યાર્ડ બંધ રહેશે અને લાભ પાંચમથી ફરી યાર્ડો ધમધમતા થશે. ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડતા મબલખ પાકનું ઉત્પાદન થયું છે. ગઈકાલથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે. બજારોમાં પણ હવે દિવાળીનો માહોલ બરાબરનો જામ્યો છે. ચિક્કાર ગરદી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવતા હવે યાર્ડમાં પણ ખેડૂતો માલ લાવતા નથી.

સૌરાષ્ટ્રમાં એકાદ-બે માર્કેટીંગ યાર્ડમાં આજથી જ દિવાળી વેકેશન પડી ગયું છે. દરમિયાન રાજકોટ, ધોરાજી, જામનગર સહિતના માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલથી સતત છ દિવસ સુધી દિવાળીનું વેકેશન પડી જશે. ગઈકાલથી માલની આવક બંધ કરી દેવામાં આવી છે. હાલ જે હાલ જે માલ સ્ટોકમાં છે તે તમામ માલની હરરાજી કરી દેવામાં આવશે. આવતીકાલથી આગામી સોમવાર સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. મંગળવારથી ફરી યાર્ડો ધમધમતા થશે અને સૌપ્રથમ વેપારીઓ દ્વારા મુહૂર્તના સોદા પાડવામાં આવશે અને ત્યારબાદ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.

નવરાત્રીથી જ નવી મગફળી અને કપાસની આવક શરૂ થઈ જવા પામી છે. હવે દિવાળી બાદ પુરબહારમાં નવી જણસીની આવક શરૂ થશે. હાલ કપાસ અને મગફળીના ભાવ સારા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશાલી જોવા મળી રહી છે.

એક મણ કપાસના ભાવ રેકોર્ડ બ્રેક 1800 બોલાયા છેલ્લા દિવસે રાજકોટ યાર્ડમાં 50 હજાર મણ કપાસની આવક

અબતક,રાજકોટ: ધનતેરસના પાવન અવસરે આજે જાણે જગતાત પર લક્ષ્મીજી રિઝયા હોયતેમ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક મણ કપાસનો ભાવ અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ 1800 રૂપીયા બોલાયો હતો. એક મણ કપાસના ભાવ 1800 મળતા ખેડુતો ખુશખુશાલ થઈ ગયા છે. આ અગાઉ રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રતિમણ કપાસના ભાવ રૂ.1740થી રૂ.1760 બોલાયા હતા. આવતીકાલથી માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ પડી રહી છે.ત્યારે આજે અંતિમ દિવસે 50 હજાર મણ કપાસની આવક થવા પામી છે. જયારે અન્ય જણસીની આવક ઓછી રહેવા પામી હતી. યાર્ડના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક મણ કપાસ રેકોર્ડબ્રેક 1800 રૂપીયામાં વેંચાયો હતો. વિક્રમીભાવ ઉપજતા જગતાત ખુશખુશાલ થઈ ગયો હતો. નવા વર્ષમા કપાસનો ભાવ નવો રેકોર્ડ બનાવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

નવા વર્ષમાં મળશે રાજકોટ માર્કેટીંગ યાર્ડને નવા સુકાની

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલથી દિવાળીનું વેકેશન પડી જશે. યાર્ડના નવા ડિરેકટરો ચૂંટાયાને એક મહિનો થવા આવશે. છતાં હજી સુધી નવા ચેરમેન કે વાઈસ ચેરમેનની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. નવા વર્ષ અર્થાત વિક્રમ સંવત 2077માં રાજકોટ માર્કેટીંગ યાર્ડને નવા સુકાની મળી જશે. યાર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. આવામાં પક્ષ દ્વારા અર્થાત ગાંધીનગરથી નવા ચેરમેન અને વાઈસ ચેરમેનના નામનું મેન્ડેટ મોકલાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.