દિવાળી આડે ગણતરીના દિવસો બાકી પરંતુ બજારોમાં રોનક ન દેખાતા વેપારીઓ ચિંતિત
લાલપુર પંથકમાં આ આખુ વર્ષ મંદીમાં પસાર થયું છે એમાય ચોમાસુ નબળુ જતા વેપારીને ખાસ વેગ મળતો નથી. હવે દિવાળીના દિવસો આડે માત્ર ૧૦-૧૨ દિવસ જ બાકી છે. આમ છતાં હજુ બજારોમાં દિવાળીની ખરીદીનો કરંટ ખાસ દેખાતો નથી. આથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. શહેરની મુખ્ય બજારો સુમસામ રહી છે. હવે દિવાળીની નજીકના દિવસોમાં ખરીદી નીકળે એવો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે.
એકબાજુ મંદીનો માર, બીજીબાજુ મોંઘવારી અને મોટાભાગે બધી વસ્તુઓ બેન્ક લોન લેવાના ટ્રેન્ડના કારણે મોટાભાગની માસિક કમાઈ ઈએમઆઈમાં ચાલી જાય છે. મોટાભાગના લોકોને હોમલોન કે વ્હીકલ લોન હોય છે. એના હપ્તા ભરાતા હોય છે.
સ્કુલોની તગડી ફી અને અન્ય ખર્ચાઓમાં પગાર ખાલી થઈ જાય છે. એમાં જયારે તહેવાર આવે ત્યારે લોકોને ચિંતા વધી જાય છે. હાલની સ્થિતિ જોઈએ તો પગારની તારીખો છેક દિવાળીની નજીક જ આવતી હોવાથી અને આખર તારીખો ચાલતી હોવાથી નાણાભીડ અનુભવાતી હોય છે.
હજુ સરકારે કે કંપનીઓના કર્મચારીઓને બોનસ જાહેર થયા નથી કે ચુકવાયા નથી. આથી બજારમાં નાણા ઠલવાય એવી કોઈ જ શકયતા રહેતી નથી. ખેડુતોના ઘરમાં હજુ વેચાણના પૈસા આવ્યા નથી અને વર્ષ ફેઈલ જતા આવક ઘટી છે. આ બધા કારણો આ દિવાળી પર ભેગા થયા છે આથી બજારોમાં હજુ કરંટ દેખાતો નથી.