“અબતક” આંગણે પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હોંશભેર ઉજવણી: ભગવાન શ્રી રામની રંગોળી સાથે મનમોહક શણગાર
સૌરાષ્ટ્રભરમાં ભાવિકો રામના રંગે રંગાયા: મંદિરોમાં વિશેષ પુજા, રામધુન, મહા આરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોની વણઝાર: ભૂલકાથી લઇ વયોવૃધ્ધ સુધીના લોકોના હોંઠે અને હૈયે “જયશ્રી રામ” નાદ
ઘેર-ઘેર રંગોળી દોરાય, આસોપાલવના તોરણ બંધાયા, લાપસીના રાંધણ: ભારતનું જાણે રામ રાજ્ય તરફ પ્રયાણ થયું હોય તેવો ભક્તિમય માહોલ ગામે ગામ ભવ્ય શોભાયાત્રા, રામમંદિરોમાં દિવ્ય શણગાર: શબરીના રામ આજે બધાના હૃદ્યમાં બિરાજમાન
અયોધ્યામાં સરયુ નદીના કાંઠે ભવ્યાતિ ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે દેશભરમાં જાણે અઢી મહિના બાદ બીજી દિવાળીની ઉજવણી થઇ રહી હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગામે ગામ જાણે અયોધ્યા ધામ બની ગયા હોય તેવો અલૌકિક આનંદસભર માહોલની અનુભૂતિ થઇ રહી છે. ભૂલકાઓથી માંડી વયોવૃધ્ધ સુધીના લોકોના હૈયે અને હોંઠે માત્ર “શ્રી રામ” નાદ ગુંજી ઉઠી રહ્યા છે. આજની મંગલ ઘડીએ ભારત વર્ષનું રામ રાજ્ય તરફ પ્રયાણ થઇ રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
આજે 22મી જાન્યુઆરીના શુભ અને અતિ મંગલ દિવસે બપોરે 12 કલાક 29 મિનિટ અને 8 સેક્ધડથી 12 કલાક 30 મિનિટ અને 32 સેક્ધડ એમ 84 સેક્ધડ સુધી અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના ગામે ગામ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે દેશભરમાં રામ મંદિરોમાં વિશેષ આરતી અને મહાપુજા કરવામાં આવી હતી. રામ મંદિરોને નવોઢાની માફક શણગારવામાં આવ્યા છે.
નાના બાળકથી વયોવૃધ્ધ નાગરિકો રામના રંગમાં રંગાય ગયા છે. ગામડાઓમાં બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવી છે. સવારથી શોભાયાત્રા, મહાપ્રસાદ, વિશેષ પુજા જેવા ભક્તિમય કાર્યક્રમોની ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્રના શાણા વાચકોની દિલની ઘડકન “અબતક” મીડિયા હાઉસના આંગણે પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી રામની રંગોળી બનાવવામાં આવી હતી અને કચેરીમાં રામમય શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોમાં જે રિતે ઘર આંગણે રંગોળી બનાવવામાં આવતી હોય છે. રોશની કરવામાં આવતી હોય છે. આસોપાલવના તોરણો બંધવામાં આવતા હોય છે. તેવી રિતે જ આજે ઉજવણી કરાય હતી. અઢી મહિના બાદ જાણે દેશમાં બીજી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રામ મંદિર પ્રતિષ્ઠા સમયે ઘરે-ઘરે મંગલ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
લોકોએ લાપસીના આંધણ મૂકી રામોત્સવની દિવ્ય ઉજવણી કરી હતી. શબરીના રામ આજે ભારતના 140 કરોડ લોકોના હૃદ્યમાં બિરાજમાન થઇ ગયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ગામે ગામ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ગામે ગામ આજે માત્રને માત્ર જયશ્રી રામના નાદ જ ગુંજી રહ્યા છે. માત્ર ભારત નહીં વિશ્ર્વભરમાં જ્યાં હિન્દુસ્તાની વસવાટ કરી રહ્યા છે ત્યાં રામના વધામણા કરવામાં આવી રહ્યા છે.