- મુખ્ય માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકળી, ગામે -ગામ રામ મંદીરોમાં પુજા- અર્ચના, યજ્ઞ, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો
Rajkot News : સૌરાષ્ટ્રભરમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કારણકે આજે રામ જન્મોત્સવ હોય લોકોએ રામના રંગે રંગાઈને રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. લાખો લોકો આ ઉજવણીમાં સહભાગી બન્યા છે.
ભગવાન શ્રી રામચંદ્રનો જન્મોત્સવ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરા ઉમંગ સાથે ઉજવાય છે. બીજી તરફ તા.22મી જાન્યુઆરીના અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામનું ભવ્યાતિત મંદિરની પ્રતિષ્ઠા થઇ છે. જેને લઈને લોકોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે બપોરના 12 વાગે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઠેર ઠેર ઉજવાયો છે, ઠેર ઠેર શોભાયાત્રા, ભંડારો, પૂજન-અર્ચન રામકથાના આયોજન થયા છે.
મર્યાદા પૃષોત્તમ ભગવાન શ્રી રામના જન્મના વધામણાં
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામ ભગવાનના જન્મના ઠેર ઠેર વધામણા કરાયા હતા. સૌરાષ્ટ્રના મુખ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જુદા જુદા શહેરોના રામ મંદીરોમાં ગઇકાલે સવારથી જ પુજા- અર્ચના, યજ્ઞ, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરે મહાપ્રસાદ યોજાયો છે અને સાંજે ભજન કિર્તન તેમજ લોકસંગીત ડાયરાની રમઝટ બોલવાની છે. સૌરાષ્ટ્રભરમાં આસ્થાથી ભગવાન રામના જન્મના વધામણા કરાયા હતા.
બીજી તરફ સૌરાષ્ટ્રભરના માર્ગો ઉપર હિન્દૂ સંગઠનો દ્વારા શોભાયાત્રાના આયોજનો કરવામાં આવ્યા હોય, ગઈકાલથી જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. શાંતિપૂર્ણ રીતે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અગાઉથી જ ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી હતી. ઉપરાંત આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો હતો.