જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના 22 તાલુકાના 682 ગામોને ચૂકવાશે સહાય, 2.82 લાખ ખેડૂતોને થશે લાભ
ખેડૂતોને મળતી ગોડાઉનની સહાય રૂ. 50 હજારથી વધારીને રૂ. 1 લાખ કરાઈ
ખેડૂતોએ અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય મેળવવા 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરજી કરી શકશે
અબતક, રાજકોટ :
ખેડૂતોની આવક બમણી કરવા તરફ કેન્દ્ર ઉપરાંત રાજ્યની ગુજરાત સરકાર દ્વારા પણ એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ મોટા નિર્ણયોને બહાલી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર, ગોડાઉનની સબસીડીમાં વધારો તેમજ ખેડૂતોને અપાતી ઝીરો ટકા વ્યાજની લોન મુદ્દે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 546 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના 2.82 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે. નોંધનીય છે કે ગઈકાલે જ સરકાર દ્વારા વ્યાજ પેટે અપાતી રકમની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા સુધીની સહાય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર માટે સહાય જાહેર કરવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં પણ સર્વેની કામગીરી ચાલુ છે.
આ ઉપરાંત ખેડૂતોને ગોડાઉનની સબસિડી સહાય વધારવાનો નિર્ણય કરી 50 હજારથી વધારી એક લાખ રૂપિયા કરવામાં આવી છે અને ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ માટે રૂપિયા 500 કરોડનાં ફંડની જાહેરાત કરવામાં આવી છે.
આજે યોજાયેલ કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં 546 કરોડનું પેકેજ જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે. 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપતા કહ્યું કે, હજી પણ નુકસાની સર્વેની કામગીરી ચાલુ છે, જો કોઈ રહી જતું હશે તો તેને પણ સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને ભરૂચમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ સંપૂર્ણ વિસ્તાર નથી, પણ કેટલાક ગામોમાં હાલ સરવેની કામગીરી ચાલી રહી છે.
અતિવૃષ્ટિ સહાયના ધારાધોરણો
- જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને સહાય મળશે.
- 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવામાં આવશે.
- પ્રતિ હેક્ટર મહત્તમ રૂ. 13 હજારની સહાય અપાશે.
- મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.
- SDRFના ધોરણો મુજબ બિન પિયત ખેતી માટે રૂ. 6,800 પ્રતિ હેક્ટર મળશે.
- સંયુક્ત ખાતાધારકો પૈકી માત્ર એક ખાતાધારકને સહાય મળશે.
- 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે.
કેવી રીતે સહાયની અરજી કરી શકાશે?
- ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજી કરી શકાશે.
- વીસીઇ અથવા વીએલઇ મારફતે અરજી કરી શકાશે.
- ખેડૂતોને અરજી માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.
- રેવન્યુ લેન્ડ રેકોર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવો જરૂરી છે.ખરીફ 2021 અંતર્ગત પીએફએમએસ મારફતે ચૂકવણું કરાશે.