કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વનાં નિર્ણયો: પીઓકેથી આવેલા ૫૩૦૦ વિસ્થાપિત પરિવારોને રૂા.૫.૫ લાખની સહાય અપાશે
આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરી અપાયો છે. આ સાથે પીઓકેથી આવેલા ૫૩૦૦ જેટલા વિસ્થાપત પરીવારોને રૂા.૫.૫ લાખની પરીવાર દીઠ સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં આજે મોદી સરકારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ આપવાનું એલાન કર્યું છે. જેમાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૧૨ ટકાથી વધારીને ૧૭ ટકા કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, મોદી સરકારનાં આ નિર્ણયથી ૫૦ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનધારકોને લાભ થવાનો છે. આ સાથે પીઓકેથી આવેલા વિસ્થાપિતોને ૫.૫ લાખ રૂપિયાની આર્થિક પણ આપવામાં આવશે. પીઓકેથી વિસ્થાપિત થયેલા ૫૩૦૦ પરિવાર જે આજે દેશનાં જુદા-જુદા હિસ્સાઓમાં રહેવા લાગ્યા છે અને અંતે જમ્મુ-કાશ્મીરમાં પરત ફર્યા છે તેઓને રૂા.૫.૫ લાખની સહાય પરીવાર દીઠ આપવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારવા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અત્યાર સુધી ફકત બંગાળ અને દિલ્હી છે કે જયાં આયુષ્યમાન ભારત યોજના શરૂ થઈ નથી. લોકોનાં ઈલાજ માટે આ યોજના હેઠળ રૂા.૫ લાખ સુધીની સહાય મળે છે. અત્યાર સુધી ૩૧ લાખ લોકોનાં કાર્ડ બની ચુકયા છે.
વધુમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, કિશાન સન્માનનિધિ યોજનામાં નવેમ્બર સુધી આધારકાર્ડની જરૂર પડશે નહીં.
આ યોજના હેઠળ ખેડુતોને વાર્ષિક રૂા.૬ હજારની સહાય આપવામાં આવશે. આગામી નવેમ્બર માસ સુધી આધારકાર્ડનાં અભાવે કોઈ ખેડુત સહાયથી વંચિત રહેશે નહીં તેમ કેન્દ્રીય મંત્રીએ અંતમાં જણાવ્યું હતું.