National : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે સરકાર અલગ અલગ રીતે કર્મચારીઓને દિવાળીની ભેટ આપી રહી છે. કર્મચારીઓની તરફેણમાં સરકારે હિતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. જે અંતર્ગત મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ વધારાને મંજૂરી આપી છે. આ સાથે કોસ્ટલ શિપિંગ બિલ 2024ને પણ મંજૂરી મળી હતી. તેમજ સરકાર દ્વારા 2025-26 માટે રવિ પાક માટેની MSPને પણ મંજૂરી અપાઇ છે.

ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલા સરકારે દેશના કરોડો કર્મચારીઓને ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ડીએ જાહેર કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. ડીએમાં 3 ટકાનો વધારો કરવાની સાથે કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર્સ આપવાની પણ જાહેરાત કરી છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જૂલાઈમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વર્ષે એટલે કે 2024માં પણ જાન્યુઆરીમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે જૂલાઈ માટે ડીએ વધારવાનો નિર્ણય આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે મોંઘવારી ભથ્થામાં આ 3 ટકાનો વધારો લાગુ ગણવામાં આવશે. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ કર્મચારીઓને આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.