ધનતેરસે રેસકોર્સમાં ભવ્ય આતશબાજી: મંગળવારે સાંજે ૪ થી રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી રેસકોર્સ ખાતે રંગોળી સ્પર્ધા યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સોમવાર એટલે કે ધનતેરસના પાવન પર્વથી સતત ત્રણ દિવસ સુધી રેસકોર્સ રીંગ રોડ ખાતે દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધનતેરસે રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી જયારે મંગળવાર એટલે કાળી ચૌદશના દિવસે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયાએ જણાવ્યું હતું કે, આગામી ૫ થી ૭ નવેમ્બર દરમિયાન મહાપાલિકા દ્વારા રેસકોર્સ રીંગ રોડ ખાતે દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધનતેરસે સાંજે ૭:૦૦ કલાકે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી થશે જેનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવશે જેમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મંગળવારના રોજ મહાપાલિકા દ્વારા ચિત્રનગરીના સહયોગથી સાંજે ૫ થી રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ૧૫ હજાર, ૧૦ હજાર અને ૫ હજારનું પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર ૨૦ કલાકારોને આશ્ર્વાસનરૂપ રૂ.૧ હજાર આપવામાં આવશે.
રંગોળી સ્પર્ધામાં કોઈપણ ઉંમરના વ્યકિત ભાગ લઈ શકશે. આ માટે ચિત્રનગરીના કાર્યાલય ખાતે સોમવાર સુધી ૫ થી ૮ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઉપરાંત મોબાઈલ નં.૯૬૨૪૦ ૨૫૮૦૮ પર વોટસએપ મેસેજ કરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.