રોશની, રંગોળી સ્પર્ધા અને આતશબાજી જેવા ઓછા ખર્ચે થતા કાર્યક્રમો યોજાશે: ઉદય કાનગડ.
મહાપાલિકા દ્વારા ગત વર્ષે હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ દિવાળી નિમિતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ લાખ રૂપિયા જેવો તોતીંગ ખર્ચ થયો હોય આ વર્ષે દિવાળી કાર્નિવલ નહીં યોજવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા થોડા સમય પહેલા સતાવાર જાહેરાત કરવામાં આવી હતી દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, લખલુંટ ખર્ચે દિવાળી કાર્નિવલ યોજવામાં નહીં આવે પરંતુ સાદગીભર્યો દિવાળી ઉત્સવ યોજાશે.
આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે સમાજ કલ્યાણ સમિતિના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી જેમાં તેઓએ દિવાળીના તહેવારમાં લાખો રૂપિયાના ખર્ચે કાર્નિવલ યોજવાના બદલે ઓછા ખર્ચે પૂર્ણ થાય તેવો દિવાળી ઉત્સવનું આયોજન કરવાની તાકીદ કરી છે. દિવાળી ઉત્સવ દરમિયાન આતશબાજી, રોશની અને રંગોળી સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
તેઓએ જણાવ્યું હતું કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે ત્યારે ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ આ તહેવારનો આનંદ ઉઠાવી શકે તે માટે મહાપાલિકા દ્વારા દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિવાળી ઉત્સવ દરમિયાન કેવા-કેવા કાર્યક્રમો યોજવામાં આવશે તેની સતાવાર જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.