રંગીલા રાજકોટમાં પાંચ દિવસ માટે ચાલનારા દિવાળી કાર્નિવલનો પ્રારંભ થયો હતો. કાર્નિવલને લઇને રેસકોર્સ રિંગરોડને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે. તેમજ શહેરના અનેક સર્કલોએ રોશનીનો શણગાર સજ્યો છે. તો રંગોળી સ્પર્ધાથી પ્રારંભ થયો હતો. જેમાં રેસકોર્સ રિંગરોડના ત્રણ કિલોમીટરમાં 800 રંગોળીઓને નેકલેસ આકારમાં બનાવવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા યોજાનાર રંગોળી સ્પર્ધામાં 5 બાય 50 સાઇઝની બૂલેટ ટ્રેન રંગોળી મુખ્ય આકર્ષણ જમાવશે. ત્રણ વિશાળ થ્રીડી રંગોળી સાથે રેસકોર્સ ફરતે ચીરોડી રંગોથી અને પાક્કા રંગોની 800 રંગોળી બનાવવામાં આવશે. આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરના રોજ શહેરીજનો માટે સવારે આ રંગોળીઓ જોવા માટે ખુલ્લી મુકવામાં આવશે. રંગોળી સ્પર્ધામાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગોંડલ, ઉપલેટા, જામનગર, વેરાવળ સહિતના શહેરોમાંથી રજીસ્ટ્રેશન થયું છે. આ માટે 3500 આર્ટિસ્ટો એકત્ર થશે. 550 લીટર પાક્કો કલર અને 4 હજાર કિલો ચિરોડીનો ઉપયોગ કરવામાં આવશે. ટોપ 10 વિજેતાઓને મનપા દ્વારા ઇનામો આપવામાં આવશે. જેમા પ્રથમ વિજેતાને 15 હજાર, બીજાને 10 હાજર અને ત્રીજાને 5 હાજર ઇનામ આપવામાં આવશે.