વિરાણી બહેરા મુંગા શાળાના છાત્રોએ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના વર્કશોપમાં ભાગ લીધો
દિવ્યાંગ બાળકોને શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ આપતી સંસ્થા છ.શા. વિરાણી બહેરા મુંગા શાળા તથા રાજકોટની જાણીતી સેવાભાવી સંસ્થા ઓધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દિવ્યાંગ (મુક બધીર) બાળકોને વિજ્ઞાન વિષયની વધુ જાણકારી મળે, વિજ્ઞાન ના લાઇવ પ્રયોગો દ્વારા તેઓના જ્ઞાનમાં વધારો થાય તેવા શુભઆશયથી બે દિવસનો વિજ્ઞાન વર્કશોપ લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ રાજકોટ ખાતે વિનામૂલ્યે રાખવામાં આવેલ હતો.
આ વર્કશોપમાં વિરાણી બહેરા મુંગા શાળાના ર૮, ભાવનગરની બહેરા મૂંગા શાળાના ૧પ, નડીયાદની બહેરા મુંગા શાળાના ૧પ અને અમદાવાદની બહેરા મુંગાના પ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજ્ઞાન વિષયના નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં લાઇવ પ્રયોગો કરી સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા સાંકેતિક ભાષામાં મૂક બધીર વિઘાર્થીઓને માહીતી આપી હતી. આયોજકો દ્વારા બહાર ગામથી આવેલા વિઘાર્થીઓ રહેવા- જમવા સહીતની તમામ વયવસ્થાઓ કરવામાં આવી હતી. આ વર્કશોપને વિરાણ બહેરા મુંગા શાળાના પ્રમુખ રજનીભાઇ જી. બાવીશીએ ઉ૫સ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સમાપન સમારોહમાં ટ્રસ્ટી સી.એ. પ્રવીણભાઇ ધોળકીયા, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ સી.એ. કે.ટી. હેમાણી, ડો. રમેશભાઇ ભાયાણી તથા શશીભાઇ વોરાએ પ્રાસંગીક ઉદબોધન આપી ભાગ લેનાર સર્વેને ખુબ ખુબ અભિનંદન આપી બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિરાણી બહેરા મુંગા શાળાના આચાર્યશ્રી કશ્યપકભાઇ પંચોલીના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફએ કર્યુ હતું.