‘વિકાસ ગાંડો થયો છે’ કેમ્પેઈનના ફેલાવવા પાછળ દિવ્યાની સોશિયલ મીડિયા ટીમ જવાબદાર
ચૂંટણી જીતવા માટે હવે પારંપરિક પધ્ધતિના પ્રચાર-પ્રસાર સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી થતો પ્રચાર-પ્રસાર પણ અગત્યનો ભાગ ભજવે છે. ભાજપ આ ક્ષેત્રમાં કોંગ્રેસ કરતા વધુ આગળ છે. જો કે, હવે કોંગ્રેસે સોશ્યલ મીડિયાની ટીમ મજબૂત બનાવી છે. હાલ આ જવાબદારી કોંગ્રેસે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી દિવ્યા સ્પંદના રમ્યાને સોંપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિકાસ ગાંડો થયો છે તેવા પ્રચારને બહોળા વ્યાપમાં લઈ જવા પાછળ દિવ્યાની ટીમનો હાથ છે. હાલ કોંગ્રેસની સોશ્યલ મીડિયા ટીમ બુલેટ ટ્રેન અને જીએસટી સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખી યુવાધનને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. તેમની ટીમમાં એનાલીસીસ્ટ, ટ્રાન્સલેટર, ટેકનોલોજી એકસ્પર્ટ, રીસર્ચર અને એડવર્ટાઈઝીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો છે.
આ મામલે તેમણે જણાવ્યું હતું કે, અમારી સેન્ટ્રલ સોશ્યલ મીડિયા ટીમ ખૂબજ નાની છે. જે રાજયોની સોશ્યલ મીડિયા યુનિટ સાથે મળીને કામ કરે છે. બન્ને યુનિટ વચ્ચે રેલી અને ધરણા તેમજ સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દે વિગતોની આપ-લે થતી હોય છે. ત્યારબાદ સામગ્રીને તૈયાર કરી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવે છે.
વિકાસ ગાંડો થયો છે તેના ફેલાવા પાછળ પણ કોંગ્રેસના આવા બન્ને યુનિટનો હાથ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આ પ્રહાર ભાજપને ખૂબજ ભારે પડયો છે. હજુ પણ આ રમુજ સોશ્યલ મીડિયા પર વાયરલ છે. અત્યાર સુધી કોંગ્રેસની સોશ્યલ મીડિયા ટીમની આ આ સૌથી મોટી સફળતા ગણી શકાય.