ઉના પાસે, મચ્છુન્દ્રી નદીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી અને કોઠારી નરનારાયણદાસજી સ્વામીની આગેવાની નીચે,૪૦૦૦ ઉપરાંત હરિભકતોની ઉપસ્થિતિમાં દિવ્ચ શાકોત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે કથાના વક્તા તરીકે શ્રી ભકિતવેદાંતસદાસજી સ્વામીએ શાકોત્સવનો મહિમા સમજાવતા જણાવેલ કે શાકોત્સવ સંપ્રદાયના ઘણા સ્થાનોમાં ઉજવાય છે. ખરેખર શાકોત્સવ એ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે કારણકે આ ઉત્સવમાં સુરાબાપુ અને શાંતાબાનું સમર્પણ સમાયેલ છે. પુરાણી વિશ્વવિહારીદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાનના સંબંધથી દરેક ક્રિયા નિર્ગુણ બની જાય છે.આજથી ૨૦૦ વરસ પૂર્વે ગઢડા પાસેના લોયા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણે ૬૦ મણ રીંગણામાં ૨૦ મણ ઘી નાંખીને શાક બનાવ્યુંને પોતાની હાથે સંતો અને હરિભકતોને પીરસ્યું ત્યારથી શાકોત્સવ ઉત્સવ થાય છે.
પુરાણી વિશ્વવિહારીદાસજી સ્વામીએ પૂજ્ય જોગી સ્વામીના સ્વયં અનુભવેલા પ્રસંગોની કરેલ વાતોને તમામ હરિભકતોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.દ ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી એ શાકોત્સવનો મહિમા અને મહારાજના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા.આ શાકોત્સવ નિમિત્તે ફાટસર, ઇંટવાયા, ગીરગઢડા, જરગલી, દ્રોણ, જુના ઉગલા, નવા ઉગલા, અંબાડા, વડવિયાળા વગેરે ગામોની બહેનો પવિત્રપણે પોતાના હાથે બાજરીના રોટલા બનાવી લાવેલ. સભાના અંતે તમામ હરિભકતોને રીંગણાનું શાક, બાજરીનો રોટલા વગેરે પ્રસાદ રુપે પીરસવામાં આવેલ. રસોડા તથા સભાની વ્યવસ્થા હરિદર્શનદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી તથા ધર્મપ્રસાદદાસજી સ્વામીએ સંભાળી હતી. સભાનું સંચાલન શાળાના આચાર્ય મહેશભાઇ જોષીએ સંભાળેલ હતું.