ફર્ન હોટલમાં વીરાણી બહેરા મુંગા શાળાના વિદ્યાર્થીઓને રેસીપી શિખવાડાઈ
ફર્ન હોટલ ખાતે તા.૬ જાન્યુઆરીના રોજ માસ્ટર શેફ ગુજરાત કુકીંગ કોમ્પીટીશન તેમજ વર્કશોપનું આયોજન હેલો કિટી ઈવેન્ટના સહયોગથી થવા જઈ રહ્યું છે. ત્યારે તેમાં પ્રથમવાર રાજકોટની વીરાણી બહેરા-મુંગા શાળાની પાંચ વિદ્યાર્થીનીઓ પણ પ્રથમ વખત ભાગ લઈ રહી છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની મુંજવણ વગર કોમ્પીટીશનમાં સારો દેખાવ કરી શકે તે હેતુથી ફર્ન હોટલ ખાતે શેફ કે.કે.ટોડાવત દ્વારા અલગ-અલગ રેસીપીઓ શીખવવામાં આવી હતી.
આ તકે શેફ કે.કે.ટોડાવતે જણાવ્યું હતું કે મારી લાઈફનો આ અદ્ભૂત અનુભવ રહ્યો છે તેમજ આ વિદ્યાર્થીઓને રેસીપી શીખવી મને જે આનંદ થયો છે તેનું વર્ણન હું શબ્દો દ્વારા વ્યકત કરી શકું તેમ નથી. આ તકે વીરાણી બહેરા-મુંગા શાળાના શિક્ષક વર્ષાબેને જણાવ્યું હતું કે, માસ્ટર શેફ કુકીંગ કોમ્પીટીશનને લઈને બાળાઓને થોડી મુંજવણ હતી પરંતુ અહીં શેફ દ્વારા વાનગીઓ શીખવવામાં આવતા તે દૂર થઈ છે.
આ તકે હેલો કિટી ગ્રુપના વૈશાળી સોનીએ જણાવ્યું હતું કે, ફર્ન હોટલના આ કાર્યથી બાળાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે ફર્ન હોટલના ખૂબ આભારી છીએ તેમજ ભવિષ્યમાં પણ આ રીતે અમારી સાથે જોડાયેલા રહે તેવી આશા છે.