તડામાર તૈયારીઓ,અનુયાયીઓમાં અનેરો ઉત્સાહ
હનુમાનજીના પરમ ભક્ત અને સચોટ ભવિષ્યવાણી કરી ખૂબ જ ટૂંકા સમયમાં દેશ-વિદેશમાં કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવી લેનાર બાબા બાગેશ્વરનો આગામી 1 અને 2 જૂનના રોજે રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનુયાયીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બાબા બાગેશ્ર્વરનો અગાઉનો જે સુચિત કાર્યક્રમ હતો. તેમાં તેઓ 26 અને 27 મે ના રોજ સુરત ખાતે અને 28 તથા 29 મે ના રોજ રાજકોટ શહેરની મુલાકાતે આવવાના હતા. પરંતુ તેઓના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેઓ 26 અને 27 મે ના રોજ સુરત ખાતે દિવ્ય દરબાર યોજાશે. ત્યારબાદ 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. રાજકોટમાં રેસકોર્સમાં જ બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર યોજાઇ તેવી શક્યતા છે.
પરંતુ હજી સ્થળમાં ફેરફાર થવાની પણ સંભાવના નકારી શકાતી નથી. કારણ કે રેસકોર્સમાં 24 થી 28 મે દરમિયાન ગૌ ટેક-2023 યોજાવાનો છે. જે પૂર્ણ થયા બાદ ડોમ અને સમિયાણા સંકેલવામાં અને દિવ્ય દરબાર માટેના સમીયાણા ઉભા કરવા માટેનો પર્યાપ્ત સમય ન મળે તેવું લાગી રહ્યું છે. આ તમામ શક્યતાને ધ્યાનમાં લેતા બાબા બાગેશ્વરના રાજકોટ ખાતેના 1 અને 2 જૂનના દિવ્ય દરબારના કાર્યક્રમના સ્થળમાં ફેરફાર થવાની પૂરી સંભાવના હાલ જણાય રહી છે.
આયોજકો દ્વારા હાલ સ્થળમાં ફેરફાર થશે તેવી ગણતરી સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવ્ય દરબારમાં ભાગ લેનારા અનુયાયીઓનું રજીસ્ટ્રેશન પણ શરૂ કરી લેવામાં આવ્યું છે. યુવા સંત બાબા બાગેશ્વર માત્ર વ્યક્તિના ચહેરા પરથી તેના મનમાં ચાલતી વાતો જાણી લ્યે છે અને તેનું સચોટ નિરાકરણ આપે છે. તેઓની આ અદ્ભૂત કલ્પનાશક્તિ થકી ખૂબ જ ટુંકાગાળામાં લોકપ્રિયતાના શિખર પર બિરાજમાન થઇ ગયા છે.