કરૂણા, સંવેદનશીલતા અને આનંદ ઉલ્લાસનો ત્રિવેણી સંગમ
રાજકોટ શહેરમાં દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે તેમજ પોલીસ પરીવાર માટે ગઈકાલે આજકાલ આયોજીત નવરાત્રીની ઉજવણીનો દિવસ બની રહ્યો હતો. દર વર્ષે સામાજીક સેવાનાં ભાગરૂપે દિવ્યાંગ લોકો માટે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં દિવ્યાંગો નવરાત્રી ઉજવે છે. ધનરાજ જેઠાણી દ્વારા આ ઉજવણી શરૂ કરાવી હતી અને આ પરંપરા આજે પણ ચાલુ છે. લગભગ રાજકોટની ૨૫ જેટલી જુદી-જુદી સંસ્થાની ૧૦૦૦થી વધુ જેટલા દિવ્યાંગ ખેલૈયાઓ વિરાણી હાઈસ્કુલમાં ગરબા રમ્યા હતા અને ઈનામો પ્રાપ્ત કર્યા હતા સાથો સાથ રાજકોટ પોલીસ પરીવાર પણ સાથે જોડાયો હતો. આ ઉપરાંત ગરબા રમવા આવેલા દિવ્યાંગો અને વડીલો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજનાં સમયે રાસ રમીને થાકેલા ખેલૈયાઓએ ભોજન કરીને થાક ઉતાર્યો હતો. દિવ્યાંગો અને વડીલો જયારે ગરબે રમી રહ્યા હતા ત્યારે તેમનાં ચહેરા ઉપર આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બીજી તરફ કુદરતે જેણે ખોટ આપવી છે અને તિવ્ર શકિત પણ આપી છે તેવા લોકોને જોઈને દર્શકોનાં ચહેરા ઉપર કરૂણા જોવા મળી હતી.
આજકાલનાં મોભી ધનરાજ જેઠાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો અને વડીલો માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે સાથો સાથ તેમાં પોલીસ સ્ટાફ પણ જોડાય છે અને જમવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. લગભગ ૧૨૦૦થી વધુ દિવ્યાંગો અને વડીલોએ રાસથી રમઝટ બોલાવી હતી અને તમામ બાળકોનાં ચહેરા પર એક અલગ જ સ્મિત દેખાતું હતું.
સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધનરાજભાઈ જેઠાણી દ્વારા દિવ્યાંગ બાળકો અને વડીલો માટે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે તે ખુબ જ સરાહનીય છે. સાથો સાથ પોલીસ પરિવાર પણ જોડાઈને ગરબે ઘુમે છે અને ભોજનની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવે છે. સમાજ માટે આ ઉમદા કાર્ય છે અને હું તેને બિરદાવું છું.