હોડી અને તરણ સ્પર્ધા જોવા લોકો ઉમટયા
દીવ મુક્તિદિન ૨૦૧૮નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. ૫૮માં મુક્તિદિનની ઉજવણી નિમિત્તે પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવવામાં ભારતીય સૈનિકોએ શહિદી વહોરી હતી એવા અમર જવાનોની સ્મૃતિમાં તેમના નામ સાથે દીવમાં “શહિદ સ્મારક નિર્માણ કરાયું છે. આ શહિદ સ્મારક ખાતે શહિદોની યાદમાં જિલ્લા કલેકટર હેમંતકુમાર સહિત અધિકારીઓ, રાજકીય પક્ષના આગેવાનો અને દીવના નાગરીકોએ પુષ્પો ચઢાવી શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
બાદમાં શહિદ સ્મારકથી પદ્મભૂષણ કોમ્પલેક્ષ સુધી વિશાળ રેલી નિકળી હતી જે દીવના મુખ્ય માર્ગ પરથી પ્રસાર થઈ પદ્મભૂષણ કોમ્પલેક્ષ ખાતે પહોંચેલ જયાં કલેકટર હેમંતકુમારે તિરંગો લહેરાવી સલામી આપી હતી. પરેડ અને રાષ્ટ્રગાન બાદ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ સર્જી મહિલા આઈઆરબી પોલીસ દ્વારા કરાટે કરતબ, વર્ષ દરમિયાન સારો દેખાવ કરેલ એવા છાત્રોને પુરસ્કારથી સન્માનિત કરાયા.
ત્યારબાદ બપોરે ૩ કલાકે બંદર જેટી ખાતે તરણ અને હોડી સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે કલેકટર હેમંતકુમારે લીલી ઝંડી આપી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. હોડી સ્પર્ધામાં દીવ સરકારી અધિકારીઓ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા અને સાંજે ૭ કલાકે ઘોઘલા જેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુજરાતી ડાયરો તેમજ દીવ જેટી ખાતે આતશબાજી કરવામાં આવશે.
દીવ મુક્તિ દિનના એક દિવસના મહોત્સવ નિમિત્તે તરણ સ્પર્ધા અને હોડી સ્પર્ધા યોજાઈ. આ બંને સ્પર્ધા પૂર્ણ થયા બાદ દીવ કલેકટર હેમંતકુમાર અને અધિકારી ગણની પણ હોડી સ્પર્ધા યોજાઈ જે અત્યંત રોમાંચક રહી. આ સ્પર્ધા નિહાળવા દીવવાસીઓ અને પર્યટકો ઉમટી પડયા.
તરણ સ્પર્ધામાં પ્રથમ સચીન લધીયા, (૨) અક્ષય રાણીગા (૩) અંકિત સોવેરી ત્રણેય પોરબંદરના વિજેતા બન્યા. હોડી સ્પર્ધામાં પ્રથમ રમેશ લાલજીની ટીમ (૨) સંજય પાંચાની ટીમ (૩) દિનેશ પ્રેમજીની ટીમ આ ત્રણેય ઘોઘલાની ટીમો વિજેતા બની વિજેતાઓને પ્રથમ વિજેતાને પાંચ હજાર (૨)ને ત્રણ હજાર (૩)ને બે હજાર રોકડ ઈનામ આપવામાં આવ્યા. આ સ્પર્ધા બાદ દીવ કલેકટર હેમંતકુમાર, ડે.કલેકટર ડો.અપૂર્વ શર્મા, એસ.પી. હરેશ્વર સ્વામી, મ્યુ.પ્રમુખ હિતેશ સોલંકી, ઉપપ્રમુખ મનસુખ કરશન પટેલ તેમજ અધિકારીગણની સ્પર્ધા યોજાઈ. રોમાંચક આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતિય પીડબલ્યુડીની ટીમ વિજેતા બની તૃતિય ઈલેકટ્રીક ટીમ વિજેતા બની.