બુલેટ પર નીકળેલા કુકસવાડા ગામના યુવકને કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ
દીવ નાગવા બીચ પર બાઈક સ્લીપ થતા માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના યુવાનનું સારવારમાં મોત થયું હતું બુલેટ પર દીવથી ઉના જવા માટે નીકળેલા યુવાનને કાળ ભેટતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે રહેતા શિવાન કરશનભાઈ ગરેજા નામના 21 વર્ષીય યુવાન ગત તા.20મી એપ્રિલના રોજ દીવના નાગવા બીચ પરથી ઉના તરફ આવવા માટે બુલેટ પર નીકળ્યો હતો. પરંતુ નાગવા બીચ પર બુલેટ સ્લીપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
જેથી ઘવાયેલા યુવાન શિવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબી સારવાર બાદ યુવકે હોસ્પિટલના બીછાને દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે જરૂરી કાગળિયા કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.