વિજયાલક્ષ્મી પંડ્યા, દીવ: હાલમાં કોરોના નિયંત્રણમાં આવતા ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી અને સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે દીવમાં પણ હાલમાં કોરોના કેસ નહિવત થતા પ્રશાસન દ્વારા કોરોના ગાઈડલાઈન મુજબ ગણેશજીની પધરામણી કરવામાં આવી છે.ત્યારે દીવ પોલીસ સ્ટેશનમાં પણ વિઘ્નહર્તાની પધરામણી થઈ ચૂકી છે.

પોલીસ સ્ટેશનમાં મૂર્તિ સ્થાપના દીવ એસ.પી અનુજ કુમાર, પી.એસ.આઈ પંકજ ટનડેલ, પી.એસ.આઈ પુનિત મીના તેમજ હોટલ એસોસિએશન પ્રમુખ યતીન ફુગ્રો અને વિશ્વાસ ફુગ્રો ના હસ્તે કરવામાં આવી હતી. આજથી 10 દિવસ ગણેશ ઉત્સવનો તહેવાર માનવામાં આવશે, ત્યારે ગણેશ મહોત્સવને લઈને દીવ પ્રશાસન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે ગણેશ મહોત્સવને પણ મંજૂરી આપવામાં આવી છે.

દીવમાં હાલ 2 મહિનાથી કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. લોકો તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી દીવ પ્રશાસન દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ જન્માષ્ટમી બાદ હવે ગણેશ ઉત્સવની પણ મંજૂરી આપવામાં આવી છે. દીવ કલેકટર સલોની રાય એ ગણેશ ઉત્સવ ને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટ ની મૂર્તિ તેમજ ઘરમાં 2 ફૂટ ની મૂર્તિનું સ્થાપન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાર્વજનિક મૂર્તિના સ્થાપન બાદ કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યકમ યોજી નહિ શકે આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.દીવમાં અત્યાર સુધીમાં આશરે 2500 થી 3000 જેટલી ગણપતિ મૂર્તિની સ્થાપના થઇ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.