ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા, અને પ્રવાસન સ્થળના વિકાસ માટે અનુભવાતી મુશકેલીઓના અસરકારક નિવારણ માટે, ડાંગ જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિના અધ્યક્ષ-વ-જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા આહવા ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉદ્યાનને અપગ્રેડ કરવા, તેમજ આહવાના તળાવ અને સનસેટ પોઇન્ટને અપગ્રેડ કરી બ્યુટિફિકેશન માટે, જિલ્લા પ્રવાસન સમિતિના સભ્ય તેમજ વિધાનસભાનાં નાયબ દંડક વિજય પટેલે રજુઆત કરી હતી.

આ ઉપરાંત ગિરિમથક સાપુતારા ખાતે આવેલ જાહેર જગ્યાઓ, સરકારી બિલ્ડિંગો અને સાપુતારા-માલેગામના ભયજનક વળાંકોમાં પોલ લાઇટ સાથે સોલાર પેનલ લગાવવા વિજય પટેલે ચર્ચા કરી હતી. આ સાથે જ સાપુતારા ખાતે આવેલ ડુંગરો પર બારેમાસ રહેતા વૃક્ષોના વાવેતર માટે સીડ બોલથી વાવેતર કરવુ તેમજ સાપુતારામા બંધ એડવેન્ચર એક્ટીવીટીઓ ચાલુ કરી વઘુને વઘુ પ્રવાસીઓને આકર્ષવા અંગેની દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત ધાર્મિક સ્થળો કનસરર્યા ગઢ, બીલમાળ તુલસીગઢમા પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં પ્રવાસનના વિકાસ બાબતે ગુજરાત પ્રવાસન નિગમ સ્થાનિક વહિવટી તંત્રના સંકલનમાં રહી કામ કરે તે અનિવાર્ય છે. તેમ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતુ. સાથે જ પ્રજાહિતે જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ. મહાલ કેમ્પ સાઇટ, ગીરમાળ ગીરીધોધ જેવા વન વિભાગના પ્રવાસન સ્થળોના વિકાસ બાબતે જિલ્લાના નાયબ વન સંરક્ષકઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઇન, દક્ષિણ નાયબ વન સંરક્ષક રવી પ્રસાદ, ઉત્તર નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, સાપુતારા નોટીફાઇ એરિયાના ઇન્ચાર્જ ચિફ ઓફિસર વ પ્રાંત અધિકારી સાગર મોવાલીયા, કાર્યપાલક ઇજનેર એમ.આર.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, સાપુતારા હોટેલ એસોશિયેશનના પ્રમુખ તુકારામ કર્ડીલે સહિતના સભ્યો ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.