પંચાયત રાજમાં લોકોએ જે વિશ્વાસ મુકીને પ્રતિનિધિઓને ચુંટયા છે તે પ્રતિનિધિઓને વિશેષ જવાબદારી સોંપવા સરકાર તૈયાર હોવાનો મુખ્યમંત્રીનો કોલ
ભાજપ પહેલે ઈસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે…ની જાહેરાત મુજબ કામ કરે છે. કામ કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનો ભાજપનું કામ હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં પંચાયતી ચૂંટણીઓમાં ગ્રામ્ય મતદારોએ ભાજપ પર મુકેલા વિશ્વાસનું સવાયુ વળતર આપવાની જાહેરાત કરી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામોમાં સોળે કળાએ કમળ ખીલાવવાના મતદારોના જનાધારને પક્ષ પર ઋણ ગણી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપ મતદારોના વિશ્વાસમાં ક્યારેય ઓટ નહીં આવવા દે, વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની લોકશાહીના મુળ પંચાયતી રાજમાં છે.
ભાજપ પંચાયતી રાજ સુદ્રઢિકરણમાં માનનારો પક્ષ છે. વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરીને જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતો પાસેથી બિનખેતીના પાછા ખેંચાયેલા અધિકારો પાછા આપવામાં આવશે રેવન્યુ અને ખાસ કરીને જમીન મહેસુલ અંગે પંચાયતી રાજનું વહીવટી કેન્દ્રબિંદુ આદર્શ લોકશાહીનું પ્રતિક છે. જિલ્લા પંચાયતો પાસેથી બિનખેતીના અધિકારો અગાઉ રાજ્ય સરકારે પાછા લઈ લીધા હતા તે હક્ક અમે પરત કરીશું.
ગત તા.6 ડિસેમ્બર 2018ના રોજ રાજય સરકારે મહત્વનો નિર્ણય લઈને જિલ્લા પંચાયતો પાસે રહેલી બિનખેતીની પરવાનગી આપવાની સત્તા પાછી ખેંચી લઈ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી હતી ત્યારે સરકાર તરફથી મહેસુલ મંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જિલ્લા પંચાયતોમાં બિનખેતીની જમીનના સંદર્ભમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો મળી હતી જેના કારણે સરકારે નિર્ણય કર્યો કે બિનખેતીની પરવાનગી આપવાની સત્તા કલેકટરને સોંપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જયારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે મોટાભાગની જિલ્લા પંચાયતો ઉપર કોંગ્રેસનું શાસન હતું. ચર્ચાતી વિગત મુજબ બિનખેતી જિલ્લા પંચાયતમાં મળતી મલાઈનો મુખ્ય સ્ત્રોત હોય સરકારે કોંગ્રેસને આર્થિક ફટકો આપ્યો હતો.
જયારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિપક્ષ નેતા સહિતના કોંગ્રેસી નેતાઓએ સરકાર સામે આ નિર્ણયને લઈને વિરોધનો સુર ઉઠાવ્યો હતો ત્યારે હવે જિલ્લા પંચાયતો ભાજપ હસ્તક થઈ છે. જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસનાં નેતાઓ આ મામલે શું ટીકા-ટીપ્પણી કરે છે ?
જયારે જિલ્લા પંચાયતો પાસેથી સત્તાઓ પરત ખેંચી લેવામાં આવી હતી ત્યારે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે એવું પણ જણાવ્યું હતું કે, લોકોને ઝડપી ન્યાય મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અરસામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પંચાયતને લગતી જમીન હેતુફેરની સત્તાઓ જિલ્લા પંચાયતને આપવામાં આવેલ છે.જે સત્તાઓ જે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને આપવામાં આવેલ છે પરંતુ કાયદાથી આપવામાં આવેલ આવી સત્તાઓ પરિપત્ર કરીને પરત લેવાતી ન હોવા છતા ફકત અસાધારણ ગેઝેટ પ્રસિદ્ધ કરી વિવિધ હેતુઓ માટે બિનખેતી વિગેરે પ્રકારની પરવાનગીઓ મેળવવા માટે શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોની તમામ જમીનો માટે કલેકટરઓને આ તમામ સત્તાઓ સુપ્રત કરેલ છે જે કાર્યરીતી ગેરકાયદેસરની અને ગેરબંધારણીય છે. હાલમાં રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું પ્રભુત્વ છે અને લોકો તરફથી ખુબ પ્રતિસાદ મળી રહેલ છે જે હાલની સરકારથી સહન નહી થતા પંચાયતની સત્તા ઉપર ગેરકાયદેસર રીતે મુકવાનો નિર્ણય કરેલ છે આમ ફકત પરિપત્રો કરીને સત્તાઓ પરત ખેંચવાની કાર્યરીતી વ્યાજબી જણાતી ન હોય જેના માટે વિધાન સભામાં કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડે આથી મહેસુલ વિભાગના તા.7/1ર/ર018 ના પરિપત્ર અમલવારી મોકુફ રાખવા રાજયની પ્રજાવતી અનુરોધ કરૂ છું.