લાલ સહેલી પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે મેન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે માહિતગાર કરતો વર્કશોપ યોજાયો
દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અન્વયે જિલ્લા પંચાયત કચેરી રાજકોટના સહયોગથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે લાલ સહેલી પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શક વર્કશોપનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ તકે દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકાર માટે સતત કાર્યરત છે. ત્યારે ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય અને મેન્સ્ટ્રુઅલ હાઈજીનને કેન્દ્રમાં રાખીને રાજકોટ જિલ્લા પંચાયત કાર્ય કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લો શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ માટે સેનેટરી પેડનું વેન્ડિંગ મશિન મારફત નિ:શુલ્ક વિતરણ કરે છે. ગ્રામિણ વિસ્તારમાં બહેનોના સ્વાસ્થ્ય અને મેન્સ્ટ્રુઅલ હાઈજીનને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ધરતી અંતર્ગત લાલ સહેલી પ્રોજેક્ટના માધ્યમથી મેન્સ્ટ્રુઅલ કપની માહિતી અને કપનું વિતરણ કરવામાં અવી રહ્યું છે.
આ પ્રોજેક્ટમાં સખી મંડળની બહેનોની સાથે તલાટી બહેનો, આઈ.સી.ડી.એસ.ના કાર્યકર્તાઓ અને પંચાયતના આરોગ્ય વિભાગની બહેનોને મેન્સ્ટ્રુઅલ કપનો મહત્તમ ઉપયોગ કરતી થાય તેવો અમારો પ્રયાસ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની બહેનો માસિક ધર્મ દરમિયાન સેનેટરી પેડના બદલે મેનસ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરે તેવી અપીલ ચૌધરીએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુંમર, પ્રાદેશિક મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી મિતેષ ભંડેરી, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનનાશ્રી વી.બી.બસિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાઓ માસિક ધર્મ દરમિયાન હિંમત દાખવીને મેન્સ્ટ્રુઅલ કપ અપનાવતી થઈ
આ વર્કશોપમાં લાલ સખી ગૠઘના પ્રિતિબેન જાંગરા, જિલ્લા ગ્રામિણ આજીવિકા મિશનના ચારૂબેન પ્રજ્ઞા, નમ્રતાબેન ભટ્ટે મહિલાઓની સ્વસ્થય અને સ્વચ્છતા અંગે રહેલી રૂઢિગત માન્યતાઓ, નકારાત્મક વિચારો અને સમસ્યાઓને અનુલક્ષીને યોગ્ય નિરાકરણ આપ્યા હતા. તેમજ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. રાજકોટના નાગલપર અને પીપળીયાની મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન હિંમત દાખવીને મેન્સ્ટ્રુઅલ કપ અપનાવતી થઈ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ બહેનોએ અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમણે પોતાનો કપના ઉપયોગને લઈને અંગત અભિપ્રાય આપ્યો હતો.