ફાઇલના પ્રિ-ઓડિટને બદલે એક- એક બિલ ઓડિટ કરવાની પળોજણથી વિકાસ કામો અટકી પડે તેવી દહેશત હોવાનો સભ્યોનો બળાપો
તાલુકા અને ગ્રામ્ય કક્ષાના ૧૫ હજારથી વધુના કામ અને જિલ્લા પંચાયતના ૪૦ હજારથી વધુના કામના એક- એક બિલ પ્રિ- ઓડિટ કરાવવા સામે સભ્યોનો વિરોધ
માસ્ક પહેરવાનો માત્ર દેખાડો : છે કોઇ આને દંડ ફટકારવા વાળું ?
રાજકોટ જિલ્લાના પંચાયતની સામાન્ય સભામાં આજે એક-એક બીલના પ્રિ ઓડિટને લઈને વિરોધ થયો હતો. કારણકે અત્યાર સુધી કોઈ પણ કામની ફાઇલનું પ્રિ ઓડિટ થતું હતું પણ હવે એક એક બીલનું પ્રિ ઓડિટ કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતા સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને આ નિર્ણયને મોકૂફ રાખવાનો ઠરાવ કરાયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પ્રિ ઓડિટનો પ્રશ્ન સળગ્યો હતો. જેની વિગતો જોઈએ તો જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉ જે ફાઈલોનું પ્રિ ઓડિટ થતું તેની બદલે હવે એક એક બીલનું પ્રિ ઓડિટ કરવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતના જે કામ રૂ. ૪૦ હજારથી ઉપરના હોય અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના જે કામ રૂ. ૧૫ હજારથી વધુના હોય તેના એક- એક બીલનું પ્રિ ઓડિટ કરાવવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણય સામે સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સભ્યોના જણાવ્યા પ્રમાણે આ રીતે કોઈ એક એક બીલનું પ્રિ ઓડિટ કરવામાં આવે તો વિકાસ કામોમાં વિલંબ થાય. એક- એક બીલનું પ્રિ- ઓડિટ થયા બાદ તે કામ શરૂ થાય અને પૂર્ણ થયા બાદ નાણાંની ચુકવણી માટે પણ ઓડિટ થાય તો તેમાં ઘણો સમય વેડફાય તેમ છે. અને સભ્યોએ એમ પણ જણાવ્યું છે કે તેમના ધ્યાનમાં છે કે આ પ્રકારનું એક- એક બીલનું પ્રિ ઓડિટ કરવાનું રાજ્યની કોઈ જિલ્લા પંચાયતમાં અમલમાં નથી.સભ્યોએ એકસુરે જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં એક સભ્યએ એવી પણ વિગતો માંગી છે કે વિકાસ કમિશનરનો પ્રિ ઓડિટનો જો આવો કોઈ આદેશ હોય તો સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતોને લાગુ પડે માત્ર રાજકોટ જિલ્લા પંચાયતને જ નહીં. કલમ-૧૬૨ મુજબ જિલ્લા વિકાસ અધિકારીને ઠરાવો રદ કરીને પરિપત્ર બહાર પાડવાની કોઈ સતા આપવામાં આવી નથી. સામે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરકાર દ્વારા કરાયેલા ૧૯૮૮ અને ૯૯ના પરિપત્રમા પ્રિ ઓડિટનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ પરિપત્રની અત્યાર સુધી અમલવારી થતી ન હતી. પરંતુ અચાનક અમલવારીથી સભ્યોએ વિરોધ નોંધાવી તેને મોકૂફ રાખવાનો ઠરાવ પસાર કર્યો છે.
શહેરમાં કોરોના વકર્યો, જિ. પંચાયત હજુ સુરક્ષિત!!
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અનેક સભ્યોના માસ્ક નાકથી નિચે જોવા મળ્યા હતા. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વર્તમાન સ્થિતિની ગંભીરતા સમજતા ન હોય તેવા દ્રશ્યો સભામાં જોવા મળ્યા હતા. જે સભ્યો માસ્ક પણ નથી પહેરતા તેને ડીડીઓએ સૂચન કર્યું, તમારા વિસ્તારમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવો. હવે જે સભ્યો પોતે તકેદારી નથી રાખતા તેઓ પોતાના મત વિસ્તારમાં શુ તકેદારી રખાવશે.