કોઠારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કબ્જો મહાપાલિકાને સોંપવાનાં ઠરાવને સર્વાનુમતે બહાલી
કારોબારી સભ્ય ચંદુભાઈ શીંગાળાની સવાલબાજીથી બેઠકનું વાતાવરણ થોડીવાર માટે ગરમાયુ
કારોબારી સમિતિની સત્તા ખેંચવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને વિકાસ કમિશનરને રદ કરી હોવાની ડીડીઓએ કરી જાહેરાત
જિલ્લા પંચાયત કચેરીએ આજરોજ યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં બિનખેતીની ૪૮ ફાઈલોને મંજૂર કરવામાં આવી હતી ઉપરાંત બેઠકમાં કોઠારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કબ્જો મહાપાલીકાને સોંપવાનાં મહત્વના ઠરાવને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. કારોબારી બેઠક દરમિયાન સભ્ય ચંદુભાઈ શીંગાળાની સવાલબાજીથી બેઠકનું વાતાવરણ થોડીવાર માટે ગરમાયું પણ હતુ.
જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ કારોબારી સમિતિની બેઠક મળી હતી. બેઠકનો સમય સવારે ૧૧.૩૦ કલાકનો રાખવામા આવ્યો હતો. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ૩૦મીએ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની મીટીંગમાં વ્યસ્ત હોવાથી ૨૦ થી ૨૫ મીનીટ મોડા પહોચ્યા હતા ત્યારે સમયસર પહોચેલા બે સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસીયા અને કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન પટોળીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી, ચંદુભાઈ શીંગાળા, નારણભાઈ સેલાણા, ધીરૂભાઈ તળપદા તેમજ જીજ્ઞેશભાઈ પટોળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મહાપાલીકામાં ભળેલા કોઠારીયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કબ્જો મહાપાલીકાને સોંપવાનો મહત્વનો ઠરાવ આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો.કારોબારી સમિતિની બેઠક દરમિયાન સભ્ય ચંદુભાઈ શીંગાળાએ અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ઉપરાંત અનેક આક્ષેપોક કર્યા હતા. જેથી થોડીવાર માટે બેઠકનું વાતાવરણ ગરમાયું હતુ.
બેઠકનાં પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ જાહેરાત કરી હતી કે વિકાસ કમિશ્નર દ્વારા કારોબારી પરનો સ્ટે હટાવી લેવામાં આવ્યો છે. અને ગત સામાન્ય સભામાં કારોબારી સમિતિની સતા ખેંચવાની જે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તે દરખાસ્તને રદ કરવામાં આવી છે.