“રાજકીય હાથા નહીં બનતા અધિકારીઓ વિરુધ્ધ એવો રિપોર્ટ થયો કે તેઓ મનસ્વી રીતે કામ કરે છે કહ્યામાં નથી !
શેર કરતા સવા શેર ભારે જ
જીલ્લા પંચાયત પ્રમુખનું ખૂન અને તેમાં મોટા માથાઓ રાજકારણીઓની સંડોવણીની શંકાઓથી સમાચાર પત્રો રોજેરોજ વાતો મુક્તા હતા. તેમાં ય પોલીસ તંત્ર તો સરકાર, પ્રેસ તથા રાજકારણનું આક્ષેપો કરવાનું અને ઉતારી પાડવાનું હાવગુ સાધન.
એ વાત ખરી કે પોલીસ ખાતા મારફતે આ લાગણી પ્રેસ અને વિરોધ પક્ષો સત્તાધારી પક્ષ ઉપર કાઢતા હોય છે. કેમ કે સામાન્ય રીતે અવુ માનવામાં આવે છે કે પોલીસ સત્તાધારી પક્ષ એટલે કે સરકારનું હાવગુ હથીયાર છે. ફાવે તેવો ઉપયોગ કરે. પણ તેમાંય એટલે કે પોલીસ ખાતામાં પણ અપવાદ હોય જ.
જો તેનો રિવોલ્વરની જેમ યોગ્ય ઉપયોગ ન આવડે તો જેમ રિવોલ્વર ધારક માટે જોખમી તેમ પોલીસ સરકારના જ ગળાનું હાડકુ બની જાય તેવા ઘણા દાખલા છે. પરંતુ અહિં પોરબંદરમાં પરિસ્થિતિ જુદી હતી. અહિંના અમુક પોલીસ અધિકારીઓ પીપુડીની જેમ વગાડો તેમ વાગે તેવા ન હતા તે હકીકત હતી.
બગવદર ફોજદાર જયદેવ પોલીસ તંત્ર ઉપરના આક્ષેપોથી ખૂબ વ્યથિત હતો તેણે ગુન્હો શોધવાનું પહેલુ પગથીયું તો પકડી લીધુ હતું. હવે આ ટ્રકનં GJR ૯૯૭૭ અને તેનો માલીક કમ ડ્રાયવર મળી જાય એટલે તમામ શંકાનાવાદળો દૂર થઈ જાય તેવું તે માનતો હતો. જયદેવ ટ્રક શોધવા તમામ પ્રયત્નો કરતો હતો.
અને પરિણામે તેને બાતમી મળી કે આ ટ્રક નં. GJR ૯૯૭૭ નો કીંદર ખેડા ગામના ખારામાં રેઢો પડ્યો છે. પોલીસે ટ્રક કબ્જે કર્યો જયદેવે ખાસ નિરિક્ષણ કર્યુ કે આ ટ્રકના આગળના બમ્પરની શું સ્થિતિ છે. જયદેવના અનુમાન અને પ્રામિક પુરાવા પ્રમાણે જ આગળના બમ્પર ઉપર સાંકળના ટુકડાઓ લગાડી રાષ્ટ્રીય ધ્વજ જેવો ત્રિરંગો કલર કરેલો હતો તથા આ સાંકળો પૈકી એક સાંકળ તૂટીને ઓછી થયેલી જણાતી હતી .
તથા બમ્પર ઉપર ભટકાયાના ચિહ્નો તથા એમ્બેસેડર કારનો રંગ પણ ચોંટેલો હતો. તાત્કાલીક ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા. બમ્પરની વૈજ્ઞાનિક તપાસણી કરાવી ફોટોગ્રાફી કરાવી. નિષ્ણાંતે પ્રથમ દ્રષ્ટિએ જ મૌખિક અભિપ્રાય આપ્યો કે આ ટ્રક મૃતકની કાર સાથે અથડાવીને કાર ઉભી રખાયેલ હશે.
ઉચ્ચ અધિકારીઓના ઉચાટ અને સમાચાર પત્રોમાં થતી આક્ષેપ બાજી અને સરકાર નો તથા પરોક્ષ દોરી સંચારી ક્રાઇમ બ્રાંચના સ્વમાની ફોજદાર રાણાને મનમાં ખૂબ જ દુ:ખ થતુ હતુ તે હવે કોઇપણ સંજોગોમાં આરોપીઓને પકડવા માટે પ્રયત્નશિલ હતા અને સતત જયદેવના સંપર્કમાં હતા. દરમ્યાન ગેંગનો એક શાર્પ શૂટર જે અગાઉ પણ ઘણા ખૂનના ગુન્હાઓમા પકડાઇ ચુકેલ તે આરોપી કીસલો રાજકોટ તેના ભાઇના ઘેર હોવાની હકીકત મળતા રાણા અને જયદેવ રાજકોટ આવ્યા.
મળેલ બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને સાંજના સાતેક વાગ્યે ભક્તિ નગર સ્ટેશન વિસ્તારમાં આ આરોપી કીસલાને એક પાન ના થડા પાસે બેઠેલો જોતા પોલીસે છાપો કાર્યો પરંતુ ચકોર કીસલો ઠેકડો મારીને દોડ્યો અને ભાગવા લાગ્યો પરંતુ કોન્સ્ટેબલ જોષીએ કીસલાના પગમાં આંટી મારતા કીસલો ચત્તાપાટ રોડ ઉપર જ પડ્યો અને આ દોડા દોડી અને પડવા પકડદાવને જોઇને લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું.
જયદેવે આરોપી કીસલાનું અટક પંચનામું પાનના થડે જ તૈયાર કર્યુ અને રાણા તથા જયદેવ કીસલાને લઇને ત્રિકોણ બાગએ ડીવીઝન પોલીસ સ્ટેશને આવ્યા. ત્યાં આરોપી કીસલાની અટક નોંધ કરાવી. પરંતુ રાજકોટના જાગૃત પત્રકારો ત્યાં જોગાનું જોગ જ હાજર હતા અને ફટાફટ ફોટોગ્રાફી થવા લાગી. વધુ ભીડ થાય તે પહેલા જયદેવ આરોપી કીસલાને સરકારી જીપમાં નાખી પોરબંદર તરફ જવા રવાના થયો. રાણાએ કહ્યું હું પણ અર્ધો કલાકમાં જ પાછળ આવુ છું.
જયદેવે ગોંડલ બાયપાસ પુરુ કર્યુ અને જામવાડી પેટ્રોલ પંપ આવતા જ ત્યાં ગોંડલ તાલુકા પોલીસની જીપે બગવદરની જીપને હાથનો ઇશારો કરી ઉભી રખાવી. આ ગોંડલ તાલુકા પોલીસે જયદેવને કહ્યું કે ઉપરી વર્ધી આવી છે કે તમારે આ પકડાયેલા આરોપીને લઇને પોરબંદર જ જવાનું છે. જયદેવને નવાઇ લાગી કે ભાઇ પોરબંદર જ જવાનું હોય ને ? આરોપીને થોડો જુનાગઢ કે અમરેલી લઇ જવાય ?
મુસાફરી દરમ્યાન પોરબંદર જતા ફરીથી ધોરાજી આઝાદ ચોકમાંથી પસાર થતા ધોરાજી પોલીસની જીપે ઉભા રાખ્યા અને જયદેવને એજ સંદેશો મળ્યો કે તમારે પકડાયેલ આરોપીને લઇને સીધા જ પોરબંદર જવાનું છે. આથી જયદેવને મનમા વિચારો અને શંકા કુશંકાઓ શરુ થઇ કે કાંઇક નવા જૂની લાગે છે.
પરંતુ ખરેખર વાત એમ હતી કે પકડાયેલ આરોપી કીસલાની નોંધ કરાવવા રાજકોટએ ડીવીઝન થાણામાં ગયેલા તેના સમાચારો પત્રકારો મારફતે પોરબંદર અને છેક ગાંધીનગર સુધી પહોંચી ગયેલા. આથી આ બાબતે કેટલાક લોકોની “ઉંઘ હરામ થઇ ગયેલી કે જયદેવનો ન્યાયદંડ અને કલમ સીધા જ ચાલે છે તે બીજુ કાંઇ જોતા જ નથી.
જયદેવના બગવદરના જ દાખલા એરિયા ડબલ ખૂન કેસ તથા ચુંટણી સમયે ગેંગ લીડરના ટાડાના કેસોમાં સમર્પણ સમયે જયદેવગમે ત્યારે આકરા પગલા લેવાની ટેવવાળો છે. આથી જયદેવ કીસલાને વધુ પુછપરછ કરી રમાયેલ રમતની બાજી ખુલ્લી થઇ જાય તેવી કોઇ કાર્યવાહી કરે તે પહેલા પાણી પહેલા પાળ બાંધવાની યોજનાના ભાગરુપે ગાંધીનગરથી આદેશો છુટ્યા હતા. પરંતુ જયદેવને આવી કોઇ ખબર હતી નહિં.
આમને આમ કુતીયાણા આવ્યુ ત્યાં પણ કુતિયાણા ફોજદારે જયદેવનું સ્વાગત કરી ચા-પાણી પાઇને તે જ સમાચાર આપ્યા. જયદેવને હવે શું કરવુ તે મનમાં મોટો પ્રશ્ન હતો આરોપીને પોરબંદર લઇ જતા ત્યાં રખેને આરોપી ઉપર કાંઇક થાય તો આ આરોપી તો જાહેરમાં પકડી રાજકોટએ ડીવીઝન થાણામાં નોંધ કરેલો આરોપી છે. બીજી બાજુ ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાનો કોઇ સંપર્ક કે પત્તો હતો નહિં. જયદેવ તમામને હા હા કરીને પોરબંદર બાયપાસ ઉપર આવી બોખીરા ગામ થઇ દેગામ ત્રણ રસ્તેથી આરોપીને લઇને બગવદર પહોંચી ગયો.
આથી પોરબંદરમાં તો ખળભળાટ મચી ગયો પરંતુ છેક ગાંધી નગર સુધી તમામના જીવ ઉંચે થઈ ગયા કેમ કે અગાઉ જણાવ્યા પ્રમાણે એરીયા ખૂન કેસ તથા ટાડાના કેસોમાં પણ જયદેવે મનમાની જ કરી હતી. ભલે તે કાર્યવાહી કાયદેસર હોય કે ગેરકાયદેસર પરંતુ ન્યાય અને જાહેર હિતમાં જ કરેલી.
આથી આ સમયે તમામને એવુ થયું કે જયદેવ હવે નક્કી નવા-જૂની કરશે. પરંતુ ત્યાં ફોજદાર રાણા પોરબંદર પહોંચ્યા અને જયદેવને ફોન કર્યો કે “તમે આ શું કર્યુ ? જયદેવે કહ્યુ અરે યાર તમારો કોઇ અતો પતો નહિં અને તમામ એક જ પ્રકારના સંદેશા આપતા હતા તેથી એન્કાઉન્ટરની શંકા થઇ વળી આરોપી હવે કાયદેસર આપણી કસ્ટડીનો હોય સીધો જ બગવદર આવ્યો.
રાણાએ કહ્યું ભારે કરી ભાઇ બંધને શું કહેવુ ? પણ જયદેવ પણ સમજુ હતો અને તે પેલી વ્યાખ્યા પ્રકારનો “મિત્ર મિત્રના મનની વાત ન જાણી શકે તો મિત્ર ન કહેવાય તેવો હતો. રાણાએ કહ્યું તમે આરોપીનું ઇન્ટ્રોગેશન નિવેદન લખી નાખ્યુ ? જયદેવે કહ્યુ ના હવે લખવા બેસુ છું. રાણાએ કહ્યું હવે રહેવા દયો.
આ નિવેદન તપાસ કરનાર અધિકારીને જ નોંધવા દેજો. તમે ફક્ત સ્ટેશન ડાયરીમાં આરોપીને અટક કર્યાની નોંધ કરજો. જયદેવે કહ્યું મને નિવેદન નોંધવા દ્યો કેમ કે મને લાગે છે કે હવે આમેય સરકાર મારાથી ત્રાસી ગઇ હશે. અને નારાજ પણ હશે. હવે મારી તો અહિંથી લગભગ બદલી નક્કી જ છે. તેથી પૂરુ જ કરવા દો ને ? રાણાએ કહ્યું ના એવુ નહિં થાય.
થોડીવારમાં જ સીપીઆઇ આવી ગયા અને મોઢુ કટાણુ કરી જયદેવને કહ્યુ “મૂળો મને જ ભરાવ્યો એમને ? જયદેવે કહ્યું ” સાહેબ તપાસ આમેય તમો જ કરો છો અમે તો ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડીને તમને આપ્યો છે. આમ મદદ જ કરી છે. સીપીઆઇઅે કહ્યુ “હા, હું જાણુ છુ જ કે આ સાપનો ભારો જ મને આપ્યો છે .
અને સીપીઆઇ અટક પંચનામુ, ચહેરા નિશાન પત્રક અને સ્ટેશન ડાયરીનો ઉતારો લઇ આરોપી કીસલાને લોકઅપમાંથી કાઢીને બોલ્યા “ચાલો રોટલીયાઓ ત્યાર બાદ સીપીઆઇએ બીજા આરોપી ટ્રક ડ્રાયવર તથા બે-ચાર જણાને પકડીને આ ગુન્હાના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી રીમાન્ડ ઉપર લીધા. પરંતુ તપાસમાં કોઇ મોટા માાના નામ ખુલ્યા નહિ આથી સમાચાર પત્રોમાં પોલીસની સખત ટીકાઓ અને સરકાર ઉપર આક્ષેપો થયા.આખરે રાજ્ય સરકારે આ તપાસ ગુજરાતની સી.આઇ.ડી. ક્રાઇમ શાખાને સોંપી દીધી.
પરંતુ જયદેવની કાર્ય પધ્ધતિથી નારાજ પોરબંદર પોલીસવડાએ ખરેખર જયદેવેઆવો ગંભીર ગુન્હો ડીટેક્ટ કરી આરોપી પકડેલ હોવા છતાં જયદેવને રાજકોટથી પોરબંદર આવતા કહેવા છતા પોરબંદરને બદલે બગવદર લઇ જવાને કારણે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારના પણ જીવ ઉપર ચડી ગયેલા તેથી નારાજ પણ થયેલા.
આથી તેમણે જૂનાગઢ રેન્જના પોલીસ વડાને રીપોર્ટ કર્યો કે બગવદર ફોજદાર જયદેવ, ક્રાઇમ બ્રાંચના રાણા સહિત બીજા ત્રણ-ચાર અધિકારીઓ તેમના કહ્યામાં નથી અને મન ફાવે તે રીતે કાર્યવાહી કરે છે. એક વાત એવી પણ જાણવા મળેલી કે પોલીસ વડા ઉપર ઉપલી સત્તા એ જ આવો રિપોર્ટ કરવાનું દબાણ કરેલુ અને તે રીપોર્ટ જૂનાગઢ પહોંચતા જ ફેક્સ મેસેજી બદલીઓનો હુકમ પોરબંદર ઉતર્યો.
આમ જયદેવે રાણાને અગાઉ બતાવેલી બદલીની શંકા સાચી તો પડી પરંતુ તેમાં વધારો એ થયો કે આ હુકમ ફક્ત જયદેવ પૂરતો નહિં આવતા અન્ય સજ્જન અધિકારીઓ રાણા સહિતના નામ પણ બદલી હુકમમાં હતા. આ બદલી હુકમની વિશિષ્ઠતા એ હતી કે આ હુકમમાં પણ સંબંધિત અધિકારીઓની જયદેવ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ પણે ખાસ જણાતી હતી. આખરે ‘શેર કરતા સવાશેર ભારે થઇ ભારે’ કહેવત પણ સાચી પડી.
એક સમયે ગુજરાત રાજ્યમાં રાજકીય રીતે સૌથી વધુ સક્રિય અને ખટપટ્ટથી જીલ્લા જેમ મહેસાણા અને ખેડાની ગણતરી થતી પરંતુ તે સમયે આ રાજકીય કપટ અને ખટપટમાં અમરેલી જીલ્લાએ આ બંને જીલ્લાને સારા કહેરાવેલ અને અમરેલી જીલ્લો તે સમયે વધારામાં ત્યાંના ખેડૂત સંગઠનો વધુ સક્રિય અને પ્રવૃતિથી અસરગ્રસ્ત હતો. લાગવગ વાળા અને પહોંચ વાળા પોલીસ અધિકારીઓ તો અમરેલી જીલ્લામાં નિમણૂંક થાય તો હુકમ પણ રદ્ કરાવતા. સામાન્ય રીતે બિનવારસી કે સજાના તૌર ઉપર જ અધિકારીઓની અમરેલી જીલ્લામાં બદલી થતી તેવુ કહેવાતુ.
આ બદલી હુકમમાં પોરબંદરથી બદલાયેલા અધિકારીઓમાં લગભગ મોટાભાગના અમલદારોના નામ ભાવનગર અને જૂનાગઢ જીલ્લામાં હતા. ફક્ત ફોજદાર, જયદેવનું નામ જ જીલ્લામાં હતું. જયદેવને આ મળેલ ‘શિરપાવ’ માટે થોડુ મનમાં દુ:ખ થયું. જયદેવની સંઘર્ષ મય ફરજ યાત્રા ચાલુ જ રહી.
પોલીસ અધિકારીઓએ જયદેવને આ અમરેલીના હુકમ બદલ આશ્વાસન પાઠવ્યા કે તમારી સાથે ખરેખર અન્યાય થયો છે આવો બહુચર્ચિત ડબલ ખૂન કેસ શોધી એક આરોપીને પણ પકડીને આપ્યો. તમારી કામગીરીની ખરેખર કદર થવી જોઇએ તેને બદલે સજારુપ અમરેલી જીલ્લામાં તમને મૂકી કાર્યદક્ષતા અભિશાપ છે
તેવુ ઉદાહરણ ખાતાએ પૂરુ પાડ્યુ કહેવાય. જયદેવે જ કહ્યુ ” આ સારી કામગીરીનો જ સરપાવ છે જો ખૂન કેસ વણશોધાયેલો રહ્યો હોતતો આ બદલીની નોબત જ આવત નહિં મને એકલાને જ નહિં ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાને પણ એવું હતુ કે આવો હાઇ પ્રોફાઇલ ખૂન કેસ શોધવો જ જોઇએ તો શોધ્યો અને આ “કોળામાંથી બીલાડુ નીકળ્યું !!
જે બીજા બદલી પામેલા પોલીસ અધિકારીઓ હતા તેમણે બદલીવાળા જૂનાગઢ ભાવનગર પોલીસ વડાઓને લાગતા વળગતાઓ દ્વારા ભલામણો કરાવી કે પોતે કાર્યદક્ષ છે સારા છે આજ્ઞાકિત છે વિગેરે પણ ફોજદાર જયદેવની સીફારીશ કે ભલામણ કોઇએ અમરેલી પોલીસવડાને કરી નહિં કે જયદેવે પણ કોઇને કહ્યું નહિં.
જયદેવ “સાધુ ચલતા ભલાના ન્યાયે બેગ બિસ્તરો લઇ અમરેલી આવ્યો. રાત્રિના આઠ વાગી ગયા હતા. અમરેલીના પાદરમાં પહોંચતા રોડ ઉપર જ તાલુકા પોલીસ સ્ટેશન આવેલું હતું અને તેના ફોજદાર ફળીયામાં જ ઉભા હતા. જયદેવને થયુ કે તે ભલે અજાણ્યા રહ્યા પણ થોડી ઘણી માહિતી તો મેળવી લઉ તેમ નક્કી કરી તે તાલુકા ફોજદારને મળ્યો.
પોતાની ઓળખાણ આપી વાતચીત શરુ કરી. આ ફોજદારે જયદેવને કહ્યું કે શું સજામાં અહિં નિમણૂંક થઇ છે ? જયદેવે કહ્યું “હા એમ જ સમજો ને પછી જીલ્લામાં કોણ-કોણ અધિકારીઓ છે તેની ચર્ચા થઇ. એવું જાણવા મળ્યુ કે અમરેલી જીલ્લા ક્રાઇમ બ્રાંચના ફોજદાર પટેલ છે. ભૂતકાળમાં આ પટેલ અને જયદેવ રાજકોટમાં સારા પાડોશી હતા.
ટેલીફોની જયદેવે પટેલ સાથે વાત કરી તેણે પણ કહ્યું દુ:ખ સાથે વેલકમ ! તેણે કહ્યું હું સરકીટ હાઉસમાં ફોન કરી દઉ છું સવારે પોલીસવડાને મળતા પહેલા મને અવશ્ય મળજો.
સવારે સાડા દસ વાગ્યે જયદેવ અમરેલી રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ કચેરીમાં ફોજદાર પટેલને મળ્યો. પટેલે જયદેેવને કહ્યું કે “જુઓ હું તમને ઓળખુ છું. તમે સ્વમાની માણસ છો કોઇનું ખોટુ સહન કરી લ્યો તેવા નથી. આ જીલ્લાનું સારુ પોલીસ સ્ટેશન રાજુલા ઘણા સમયથી ખાલી પડ્યું છે. તેના ઘણા કારણોમાં એક ખાસ તે ત્યાંના વિધાયક રાજ્ય સરકારમાં મંત્રી છે અને તેમની તોછડી ભાષા માટે પણ પ્રખ્યાત છે.
તમારે તો બીન જરુરી તીખારા ઝરશે અને વળી પાછી બદલી થશે, પરંતુ બાબરા ફોજદારની માગણી મુજબ તેની રાજકોટ બદલી થયેલ છે. પરંતુ તેમને છૂટા કરવાના બાકી છે બાબરા તો પછાત પંચાળ પ્રદેશ છે તમારી ઇચ્છા બાબરા જવાની ખરી ? જયદેવે કહ્યું જે હોય તે બીજો વિકલ્પ પણ નથી ને ? અને જયદેવની બાબરા પોલીસ સ્ટેશનમાં નિમણૂંક થઇ.
પરંતુ પોરબંદરની પેલી પ્રમુખ ખૂન કેસની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપાયેલ તેનો પોરબંદરથી અમરેલી મેસેજ આવ્યો કે ફોજદાર જયદેવે તાત્કાલીક પોરબંદર વિલા ગેસ્ટ હાઉસમાં તપાસ કરનાર આઇ.પી.એસ. અધિકારીને મળવુ. જયદેવ પાછો પોરબંદર આવ્યો.
જયદેવે એક બાતમીદારના નામ સિવાય કાંઇ છૂપાવવાનું ન હતું. જયદેવને તો જે સજા થવાની હતી તે થઇ ગઇ હતી. છતા દરેક વ્યક્તિને પોતાની નિતિમત્તા અને નિયમો હોય છે કે ક્યારે, ક્યાં અને શું વાત કરવી તે દરેક જણ પોતાના અસુલો મુજબ જ વર્તે છે.
જયદેવે તપાસ કરનાર અધિકારી સમક્ષ બાતમી કઇ રીતે મેળવી અને બાતમીદારના નામ સિવાય ગુન્હાની જાહેરાતી લઇ ગુન્હાવાળી જગ્યાએ આવ્યાથી લઇ ગુન્હો ડીટેક્ટ કર્યો અને રાજકોટી એક આરોપીને પકડ્યા સુધીની હકીકત લખાવી દીધી.
નિવેદન લખાઇ ગયા બાદ આઇ.પી.એસ. અધિકારીએ કહ્યું “હવે ઓફ ધ રેકર્ડ ખુલ્લા દિલે વાત કરો તો ન્યાયના હિતમાં રહેશે. તે સમય વિશ્વાસનો અને ખુલ્લા દિલ નો હતો સ્ટીંગ ઓપરેશનનો જમાનો ન હતો અને કોઇ વાતો ટેપ થતી ન હતી.
એકબીજાના વિશ્વાસે એકબીજાને સાચી વાત અને સાચો રસ્તો બતાવવા સ્ટીંગ ઓપરેશનના ભય વગર નીખાલસતાથી ચર્ચાઓ અને વાતો થતી. હવે તો કોઇ ઓફ ધ રેકર્ડ શબ્દો ભૂલથી પણ ન બોલાઇ જાય તેની તકેદારી રાખવી પડે તેવો કપટમય અને જોખમી જમાનો આવી ગયો છે.
જયદેવે લોકસભાની ચુંટણી સભાઓથી લઇ પોલીસવડાની કચેરીમાં મિટિંગમાં છેલ્લે મુક્ત ચર્ચામાં વ્યક્ત કરેલી શંકા અને ખૂનના તમામ સંજોગોની વાતો કરી. પરંતુ જયદેવે ટ્રકના નંબર આપનાર બાતમીદારનું નામ ન આપ્યું તે નજ આપ્યું. જયદેવે કહ્યું કાયદા મુજબ પણ બાતમીદારેને ગુપ્ત રાખવાની જોગવાઇ છે તેથી તેનું પાલન કરવું ન્યાયના હિતમાં છે અને પોલીસખાતાનો જનતામાં વિશ્વાસ ટકી રહે તે માટે આ નામ ગુપ્ત રાખવું જરુરી જ છે. મિત્રોને મળી જયદેવે ફરીથી અમરેલી તરફ પ્રસ્થાન કર્યું.