અરજદારોની મદદ માટે કર્મચારી સાથે હેલ્પડેસ્કની સુવિધા
નાના બાળકો સાથે આવેલ અરજદાર મહિલાઓ માટે રમકડાં સાથેની “બેબી કેર” ની સુવિધા
તા.૧૭ જાન્યુઆરી – સંવેદનશીલ અને નિર્ણાયક રાજય સરકાર દ્વારા અનેકવિધ લોકોપયોગી કાર્યો અને યોજનાઓ અમલી છે. છેવાડાના અને જરૂરીયાતંદ લોકો આ યોજનાઓ અને સેવાઓનો ઝડપી અને સરળતાથી લાભ મેળવી લાભાન્વીત થાય તે માટે રાજય સરકાર દ્વારા ઉપયાત્મક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
રાજય સરકાર દ્વારા લેવાયેલ આવો જ એક સંવેદનશીલ નિર્ણય એટલે જિલ્લા કક્ષાનું “આધુનિક જનસેવા કેન્દ્ર”. રાજકોટના પ્રજાભિમુખ કાર્યો માટે હંમેશા તત્પર એવા કલેકટર સુશ્રી રેમ્યામોહનની રાહબરી હેઠળ તૈયાર થયેલ રાજકોટ કલેકટર કચેરી સ્થિત જિલ્લા કક્ષાના “આધુનિક જનસેવા કેન્દ્ર”નું આગામી તા. ૨૪મી જાન્યુઆરીના રોજ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના વરદહસ્તે શુભારંભ થનાર છે. રાજય સરકાર દ્વારા તમામ જિલ્લા કક્ષાએ આ પ્રકારના “આધુનિક જનસેવા કેન્દ્ર” શરૂ કરવામાં આવનાર છે.
સંપૂર્ણ વાતાનુકુલીત એવા આ “જનસેવા કેન્દ્ર” ખાતે વન-ડે ગવર્નન્સ (એકજ દિવસમાં ઉપલબ્ધ તમામ સેવાઓ) એકજ સ્થળેથી ઝડપથી મળી રહેશે. આ “જનસેવા કેન્દ્ર” ખાતે અરજીઓનો અને ૨૪ કલાકમાં ત્વરીત કાર્યવાહિ સાથે નિકાલ કરવામાં આવશે. જેથી લોકોને જુદીજુદી મામલતદાર કચેરીઓએ જવું નહીં પડે. ૧૭ કાઉન્ટર અને આધારકાર્ડના ખાસ બે કાઉન્ટર સાથે કાર્યરત આ “આધુનિક જનસેવા કેન્દ્ર” ખાતે મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વન-ડે ગવર્નન્સ ઉપરાંત અન્ય સેવાઓ જેવીકે ઇલેકશન સ્માર્ટકાર્ડ, ગામ નમુના નં.૭/૧૨, ૮ – અ ના ઉતારા, ઇ-સ્ટેમ્પીંગના દાખલાઓ કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત વ્યાજબી દરે ઝેરોક્ષની સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાના બાળકો સાથે આવનાર મહિલાઓની મૂશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાસ “બેબી કેર” ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે આધુનિક રમકડાંઓથી સુસજ્જ હશે. આ ઉપરાંત “આધુનિક જનસેવા કેન્દ્ર” ખાતે અરજદારોને અરજી તૈયાર કરવામાં મૂશ્કેલી ન પડે તે માટે ખાસ એક કર્મચારી સાથે હેલ્પ ડેસ્કની સુવિધા પણ આપવામાં આવનાર છે. જેથી નાગરીકોને કોઇપણ પ્રકારની મૂશ્કેલી ન પડે.
“આધુનિક જનસેવા કેન્દ્ર”નું કાર્ય સુચારૂ અને કાર્યક્ષમ બને તે માટે અરજદારને ટોકન આપી ક્રમબધ્ધ સેવાઓ આપવા સહિત કાઉન્ટર પર ડીસ્પ્લે સહિત વિશેષ વેઇટીંગ લોન્જની સુવિધા પણ કરાઇ છે. ડીસ્પ્લે થનાર કાઉન્ટર પરથી અરજદારને અરજી રજૂ કર્યે તેમનું પ્રમાણપત્ર કે જરૂરી ડોક્યુમેન્ટ થોડા સમયમાં મળી રહેશે. આમ સમાન્ય પ્રજાને આ કેન્દ્ર ઉપયેાગી બની રહેશે.