- રિહર્સલ માં ધ્વજ લહેરાવવાથી માંડીને પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત તેમજ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમોની તબક્કાવાર રજુ કરાયા
રાજકોટ જિલ્લામાં “78મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી” આ વર્ષે લોધિકા ખાતે થનાર છે. આ પર્વને આન, બાન અને શાનથી ઉજવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આજે લોધિકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજ લહેરાવવાથી માંડીને પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત તેમજ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમોની તબક્કાવાર રજૂઆત થઈ હતી.
સૌપ્રથમ ડી.આઈ.જી. જયપાલસિંહ રાઠોર તથા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને અધિકારીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં પોલીસની બે પ્લાટૂન, મહિલા પોલીસની પ્લાટૂન સહિત કુલ છ પ્લાટૂન જોડાઈ હતી.
આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકોના માર્ગદર્શનમાં વિવિધ સંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે પોલીસ ટીમોને તેઓનું પ્રદર્શન વધુ ઉત્તમ બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. જ્યારે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી ફેરફારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી તથા વહીવટી તંત્રની ટીમોએ વિવિધ વ્યવસ્થાઓ સંભાળી હતી.