અબતક, રાજકોટ : સુશિક્ષત અને તાલીમબધ્ધ યુવાઓ એ રાષ્ટ્રની આગવી સંપત્તી છે. સમગ્ર વિશ્વમાં આપણો દેશ એ સૌથી વધુ યુવાઓથી સમૃધ્ધ છે. આ યુવાઓના રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે દરેક રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે મહત્વપૂર્ણ બાબત છે. રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજય સરકાર દ્વારા તા. ૧લી ઓગષ્ટથી શરૂ કરાયેલ વિવિધ ૧૦ સોપનોના સેવાયજ્ઞ નિમિત્તે આજે છઠ્ઠા દિવસે રાજયના યુવાઓ માટે વિશેષ રૂપે રોજગાર દિવસ અંતર્ગત રાજયભર ૫૧ સ્થળોએ યુવાઓને રોજગાર નિયુકતી પત્રો મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી ઓ સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે એનાયત કરાવમાં આવ્યા હતા.
આત્મીય યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર દિવસ ઉજવાયો: મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સથી જોડાયા
સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે વિવિધ વિભાગોમાં જિલ્લાના 6882 યુવાઓને રોજગારી નિયુક્તિ પત્રો એનાયત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સુરત ખાતે યોજાયો રાજ્ય કક્ષાનો રોજગાર દિવસ: સમગ્ર રાજ્યમાં 51 સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં 62636 લોકોને રોજગારી નિયુક્તિ પત્રો અપાઈ
રાજકેાટ ખાતે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થીતીમાં આત્મીય કોલેજ ખાતે રોજગાર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સહિતના જિલ્લાભરના કાર્યક્રમો અન્વયે રાજકોટના કુલ ૬૮૦૦થી વધુ યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગારી અંગેના નિમણુંક પત્રો એનાયત કરાયા હતા. આ તકે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશિક્ષીત અને તાલીમબધ્ધ યુવાધન રાજય અને રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગીક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સહભાગી બને અને આ યુવાધનનો સુયોજિત અને કૌશલ્યને અનુરૂપ વિનિયોગ થાય તે માટે રાજય સરકારે અનેક યોજનાઓ અને કામગીરીને અમલી બનાવી છે.
જેના પરીણામે આજ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં રોજગારી આપવામાં પહેલા નંબરે છે. એટલું જ નહીં પણ સ્ટાર્ટ અપ, મેઇક ઇન ઇન્ડીયા, મુદ્રા યોજના સહિત આજરોજ શરૂ કરાયેલ અનુબંધન પોર્ટલ અને એપ એ એક કદમ વિકાસની તરફ આગેકુચ સમાન બની રહેશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ યુવાઓને રોજગારી અપાઇ ચુકી છે. કોરોના કાળમાં પણ ઓનલાઇન ભરતી મેળા થકી યુવાઓને રોજગારીની તકો ઘરબેઠા ઉપલબ્ધ કરાવવાની ગુજરાતે કરેલી અભિનવ પહેલ અન્ય રાજયો માટે માર્ગદર્શક બન્યું છે. રાજયના તમામ તાલીમબધ્ધ યુવાઓને રોજગારી ઉપલબ્ધ બનાવી તેમના કૌશલ્યનો સુયોજિત વિનિયોગ કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયર પ્રદિપભાઈ દવે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સુસાશનના પાંચ વર્ષમાં ગુજરાતભરમાં અનેક વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના કરી યુવાઓમાં સ્કિલ ડેવપલોપમેન્ટ રોજગાર લક્ષી અભ્યાસક્રમો થકી વિવિધ રોજગારી યુવાનો પ્રાપ્ત કરી શક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાકીય લાભો, નમો ટેબલેટ, પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને રિસર્ચ માટે સ્કોલરશીપ સહિત આર્થિક સધિયારો પૂરો પાડવામાં આવ્યો છે. આંગણવાડી થી પી.એચ.ડી. અભ્યાસ અને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સવિશેષ પ્રોત્સાહક કામગીરી કરી રહી હોવાનું મેયરશ્રી એ જણાવ્યું હતું.
આ તકે સ્વાગત પ્રવચન કરતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો તેમજ રાજકોટ જિલ્લામાં શિક્ષિત યુવાઓને રોજગારી થકી મુખ્ય પ્રવાહમાં જોડી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પહોંચાડવામાં મદદરૂપ બન્યા છે. રોજગાર તાલીમ વિભાગ દ્વારા શિક્ષિત યુવાનોનું રજીસ્ટ્રેશન , રોજગાર ભરતી મેળા તેમજ ખાલી જગ્યા પર નામ સજેશન સહિતની અનેકવિધ કામગીરી થકી રોજગાર વિભાગે યુવાનોને નોકરીની વિપુલ તકો પૂરી પાડી છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, આસિસ્ટન્ટ કમિશ્નર આશિષકુમાર, અધિક કલેક્ટર એન. આર.ધાધલ, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિયામક ચેતન દવે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ રોજગારી મેળવતા યુવાનો આત્મીય કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.