નવજાત શિશુઓનો મૃત્યુદર તથા આરોગ્ય સંબંધીત યોજનાઓ અંગે સમીક્ષા
રાજકોટ શહેરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ શહેર અને ગ્રામ્ય ક્ષેત્રે આરોગ્યની સુવિધા વધારવા તેમજ નવજાત શિશુઓનો મૃત્યુદર ઘટાડવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા પ્રાઈમરી હેલ્થ સેન્ટર ખાતે તબીબોની નિયમિતતા અને સગર્ભાઓને જરૂરી સુવિધા પૂરી પાડવા સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, મિશન ઇન્દ્રધનુષ અભિયાન, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સહિતની આરોગ્ય સંબંધિત યોજનાઓ અંગે સમીક્ષા કરી હતી. તેમજ ખાસ કરીને કોરોના વાયરસ સામે રક્ષણ માટે બૂસ્ટર ડોઝ અંગે લોકોમાં જાગૃતતા આવે, તેવા પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, બાળ અને મહિલા વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, નિષ્ણાત તબીબો, નવજીવન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના હોદેદારો, પોલીસ અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.