અબતક, દિપક સથવાર, પાટણ

પાટણ માં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પગલા લેવાઈ રહ્યા છે ત્યારે જે ગામોમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે ગામને ફોકસ કરી અને તેના ઉપર સર્વેલન્સ તેમજ સારવાર અને જાગૃતિ માટેના વિવિધ પગલાઓ લેવા વિસ્તૃત આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ ગોલાપુર ગામની મુલાકાત લઈ કામગીરીની જાત માહિતી મેળવી સમીક્ષા કરી હતી અને સો ટકા રસીકરણ સહિતની કામગીરી ઉપર ભાર મુક્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીએ ગોલાપુર ગામે પોલીસ લાઈનમાં કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા તથા પ્રજાજનોને ફરજિયાત માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવી રાખવા સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર માટે પ્રાથમિક શાળાની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા હતા. તેઓએ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ વિકાસ કામોની સમીક્ષા હાથ ધરી હતી તેમજ આરોગ્યની ટીમની પણ મુલાકાત લઇ રસીકરણ અને સર્વેલન્સની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મનરેગા યોજના હેઠળ તૈયાર થઇ રહેલ નવીન આંગણવાડીના બાંધકામની સ્થળ મુલાકાત લીધી હતી અને ગુણવત્તા ચકાસી હતી.  ગ્રામ્ય મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ રસીકરણ પર ભાર મૂકી અને 15થી 17 વર્ષના બાકી રહી ગયેલ તરૂણોને સો ટકા રસીકરણ હેઠળ આવરી લેવા સરપંચ તેમજ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદ પ્રજાપતિ, ગામના સરપંચ, તલાટી જયેશભાઈ નાઈ અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.