જસદણના કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કામગીરીને બિરદાવી
તાજેતરમાં જ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ જસદણ તાલુકાના કમળાપુર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્ય કર્મીઓ દ્વારા આત્મિયતાપૂર્ણ સંવાદ કરી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમના દ્વારા થઇ રહેલી કામગીરીને બીરદાવી હતી. આ તકે તેમના અનુભવોને જાણી સંક્રમણને નિયંત્રણ રાખવા ઉપયેાગી સુચનો મેળવ્યા હતા. તેઓએ લોકડાઉનના ચોથા તબક્કા સંદર્ભે સંક્રમણ ન ફેલાય તથા સ્થાનિક વ્યાપાર અને આર્થિક પ્રવૃતિ સાથે જનજીવન પૂર્વવત બને તે માટે સતર્કતા સાથે સતત ફરજ બજાવવા જરૂરી માર્ગદર્શન અને ઉપયેાગી સુચનો કર્યા હતા.
કમળાપુર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા વંદનાબેન ઠુંમરે રાણાવસીયાની મુલાકાતને પ્રોત્સાહક અને ઉત્સાહ વધારનારી ગણાવી તેઓએ કરેલા સુચનો ગ્રામ્યકક્ષાએ સંક્રમણને અટકાવવા ઉપયોગી પુરવાર થશે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બી.પી.ચાવડાએ રાણાવસીયા દ્વારા કામગીરીની નોંધ લઇ પ્રોત્સાહક બળ પુરૂ પાડવાના કાર્યને પ્રેરણાદાયી અને કોરોના મહામારી સમયે સતત કાર્યરત સૌ કર્મચારીઓ માટે ઉત્સાહવર્ધક ગણાવ્યું હતું.
આમ જિલ્લા વિકાસ અધિકારી રાણાવસિયાએ ગ્રામ્યકક્ષાએ કાર્યરત અદના કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લઇ ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણને નિયંત્રણ રાખવા મહત્વપૂર્ણ એવી તેમની કામગીરીને બીરદાવી પ્રોત્સાહકબળ પુરૂ પાડી પ્રરેણારૂપ કાર્ય કર્યું છે. આખરે તો યોધ્ધાઓના અથાગ પરિશ્રમ થકીજ જંગમાં વિજયી થઇ શકાય છે.
વિશ્વભરના ઇતિહાસમાં સિકંદરથી નેપોલીયન સહિતના નામાંકીત મહાન સેનાપતીઓની સિધ્ધીઓના પાયામાં તેમના સૈન્યના યોધ્ધાઓની સમર્પણ અને સેનાપતિ પ્રત્યે વિશ્વાસ અને અખુટ શ્રધ્ધા રહેલી હતી. જેમાં આ તમામ સેનાપતિઓ દ્વારા સૈન્યના મનોબળને મકકમ બનાવવાની તથા ધ્યેય પ્રાપ્તિ સુધી સંઘર્ષરત રહેવાની પ્રેરણાની ભૂમિકા મહત્વપૂર્ણ હતી.
હાલ કોરોનારૂપી વૈશ્વીક મહામારીના સમયે સમગ્ર વિશ્વના આરોગ્યક્ષેત્રના કર્મીઓ દિવસરાત સતત રોગીઓની સેવા કરી રહયા છે તથા કારોનાના સંક્રમણને અટકાવવા જીવના જોખમે સંધર્ષરત છે. આ તમામ કોરોના યોધ્ધાઓનું સમાજ હંમેશ ઋણી રહેશે. આપણા દેશમાં અને રાજયમાં પણ કોરોનો સંક્રમીતોની સેવા તથા સંક્રમણ અટકાવવા શહેરથી અંતરીયાળ ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કર્મીઓ કોરોના યોધ્ધા તરીકે ફરજ બજાવી રહયાં છે. પોતાના પરિવારની ચિંતા છોડીને રાષ્ટ્રભાવનાને મહત્વપૂર્ણ ગણી ફરજ બજાવતા આ કોરોના યોધ્ધાઓને સતત પ્રોત્સાહન મળી રહે તથા તેઓના ઉત્સાહમાં વધારો થાય તે જરુરી છે.