રસીકરણમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઇ
અબતક-જામનગર
સમગ્ર રાજ્યમાં કોવિડ-19ની રસીની કામગીરી હાલ પૂર જોશમાં ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પ્રથમ ડોઝ 4,59,057 તેમાંથી 84 દિવસ પૂર્ણ કરેલ હોઇ તેવું કુલ 1,53,638 લોકો પૈકી બીજો ડોઝ 14,458 લોકોને આપવામાં આવેલ છે. જિલ્લામાં 50%થી ઓછી રસીકરણ કામગીરીવાળા 108 ગામોના તલાટીઓ અને સરપંચઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ રાયઝાદા દ્વારા યોજવામાં આવેલ હતી. આ મીટીગનાં માધ્યમથી રસીકરણની કામગીરી ઓછી હોવા બાબતે તેઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રસી ન લેવા માંગતા હોઈ તેવા લોકોને આગામી કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષિત કરવા માટે કઈ રીતે રસી લેવા માટે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ અને આગામી દિવસોમાં આ ગામોમાં 100% રસીકરણની કામગીરી કરી જામનગર જિલાને કોરોનાથી રક્ષિત કરવા સર્વેને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ મીટીંગમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, તલાટીઓ અને સરપંચઓ જોડાયેલ હતા. આમ, આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે સંપૂર્ણ સજજ થઇ લડવા માટે ગ્રામ્ય લેવલે રસીકરણની કામગીરી સઘન રીતે હાથ ધરી 100% લક્ષ્યાંકને પહોચી વળવા આયોજન કરવામાં આવ્યું છે. તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બથવારની યાદીમાં જણાવાયું છે.