બાળકોને શિષ્યવૃત્તિના નાણા સત્વરે મળે તે માટે સુચના અપાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓની મંજુર થયેલ શિષ્યવૃતિના નાણાં સત્વરે મળે તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલે ખાસ સુચના આપી છે.
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી તે બેઠકમાં શ્રી બંસલે ખાસ સુચના આપી હતી.
આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી નૌશાદ ભાઈ સોલંકી અને ઋત્વિક મકવાણાએ પાક વિમા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હસ્તકની વિવિધ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવતી લોન, મનરેગા હેઠળ થયેલ કામો વગેરે પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા જે તે વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, પ્રોબેશ્નરી આઇ.એ.એસ.શ્રી સ્વપ્નીલ ખરે, સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.