ગીર સોમનાથ સમાચાર
ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતાં અને સર્વ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ દ્વારા રજૂ કરાયેલા જનહિતલક્ષી પ્રશ્નોના નિરાકરણ અર્થે અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા ઉપસ્થિત અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા સરકારી જમીનમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ-રસ્તાના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો સહિતના મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ જનહિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ આવે અને વિકાસલક્ષી કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે ઉપસ્થિત વિવિધ કચેરીના શીર્ષ અમલીકરણ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાએ વિવિધ પડતર કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે સુચારૂ આયોજન કરી તેની સત્વરે અમલવારી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.વી.બાટી, ચિરાગ હિરવાણિયા, કાર્યપાલક ઇજનેર (સ્ટેટ) સુનિલભાઈ મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, મામલતદારઓ તથા ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન, જેટકો, પીજીવીસીએલ, જીએસઆરટીસી, આઈટીઆઈ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.