દર્દીઓને અદ્યતન હોસ્પિટલ જેવી સુવિધા આપવા પ્રયાસો
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને પડતી હાલાકી અને હોસ્પિટલમાં તબીબો દ્વારા યોગ્ય સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપો અને વ્યાપક ફરિયાદો ઉઠયા પામી હતી ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ પી.પી.ઇ. કીટ પહેરી કોરોના વોર્ડ અને આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓ પાસેથી જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં મળતી સારવાર, સુવિધા સહિતની બાબતો અંગે જાણકારી મેળવી હતી અને તબીબી સ્ટાફને જરૂરી સુચના આપી હતી.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એ કોરોના વોર્ડ સાથે આઇ.સી.યુ.ની મુલાકાત લઇ દર્દીઓને અપાતી સારવારની ડોક્ટરો પાસેથી વિગતો મેળવવા સાથે ડોક્ટરોને દર્દીઓની સારવારમાં તેમજ સુવિધામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા-સમીક્ષા કરી, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તકેદારી લેવા જણાવ્યુ હતું. આ ઉપરાંત કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સબંધીઓને એક જ હેલ્પ ડેસ્ક પરથી હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને મળતી સારવારની વિગતો મળે તેમજ વીડીયો કોલીંગની સુવિધા મળતી થાય તે અંગે વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સ્પષ્ટ સુચનાઓ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. હોસ્પીટલના અધીક્ષક ડો. બગડાએ આ તકે જણાવ્યુ કે, જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓને રાજકોટ ખાતે મળતી સુવિધાઓ અને સારવાર મળે તેવા અમારા પ્રયાસો છે. તે માટે હેલ્થ ઓફીસર ડો. રવિ ડેડાણિયા તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો. સોલંકીએ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સાથે રાજકોટ સિવિલની મુલાકાત પણ લીધી હતી.