ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા. ૧૨ મી માર્ચથી નર્મદા જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના પુષ્પ સાથે ગોળધાણા- ચોકલેટથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ – કારકિર્દીની માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીની સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડો. નિપાબેન પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબભાઇ ગાદીવાલા ઉપરાંત જાયન્ટસ ગૃપના શ્રી ભરતભાઇ વ્યાસ- સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, સ્થળ સંચાલક શ્રીમતી મુમતાજબેન મનસુરી, શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ ચૌહાણ વગેરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાના આ કાર્યક્રમમાં જોડાઇને તેમણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડો. નિપાબેન પટેલે શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉભી કરાયેલી પરીક્ષા સંદર્ભની સુવિધાઓ ઉપરાંત શાળામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નિહાળી હતી અને સીસીટીવી કેમેરા ધ્વારા પરીક્ષા ખંડમાં થઇ રહેલી કામગીરીના મોનિટરીંગનું આચાર્યશ્રીના કાર્યાલયમાંથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડો. નિપાબેન પટેલે પરીક્ષા ખંડની પણ મુલાકાત લઇ ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષા સંદર્ભે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓને કોઇ પણ જાતના ડર વિના નિર્ભિકપણે-સ્વસ્થ ચિત્તે શાંતિપૂર્વક પરીક્ષા આપવાની તેમણે શીખ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડો. નિપાબેન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો અને ૨૬ બિલ્ડીંગમાં ૧૧,૪૧૪ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા લાયઝન અધિકારી તરીકે નિમાયેલા વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૩૯ જેટલા અધિકારીઓ સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી રહયાં છે. રાજય કક્ષાએથી બોર્ડ ધ્વારા નિમાયેલા સ્કવોર્ડની ટુકડીએ આજે શ્રી એમ.આર.વિધાલયની મુલાકાત લઇને લેવાઇ રહેલી પરીક્ષા કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલી બોર્ડની આ બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- ૧૬,૩૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૧,૪૧૪ વિદ્યાર્થીઓ માટે ૨૬ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૮૮ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪,૧૨૩ પરીક્ષાર્થીઓ માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૩૫ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપલાના એક કેન્દ્રમાં સમાવિષ્ટ કે.વી.એમ હાઇસ્કુલ અને એમ.આર.વિધાલયમાં ૮૫૮ વિદ્યાર્થીઓ માટે ૪૩ બ્લોક નિયત કરાયા છે.
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાને લગતી તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટેના જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોના જરૂરી અમલ માટે પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા પોલીસ સહિતના સંબધિત વિભાગના તમામ અધિકારીઓ/કર્મચારીઓને સુચનાઓ આપવામાં આવી છે. જિલ્લાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૨૮ મી માર્ચ, ૨૦૧૮ સુધી ફોન નં.- (૦૨૬૪૦) ૨૨૨૬૦૩ ઉપર જિલ્લાનો પરીક્ષા કંટ્રોલરૂમ પણ સવારના ૮=૦૦ થી સાંજના ૭=૦૦ સુધી કાર્યરત છે. આ પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પરીક્ષા વિષયક વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતી બાબતો અંગે જરૂરી માર્ગદર્શન મળી રહેશે, જેની નોંધ લેવા પણ જાહેર વિનંતી કરાઇ છે.