છેલ્લા પાંચ મહિનાથી જિલ્લામાં કોરોના સામેની લડતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરનાર રેમ્યા મોહનના એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ: હવે હોમ આઈસોલેટ થઈને ઘરેથી જ કામકાજ સંભાળશે
જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઈસાલેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હવેથી ઘરે બેઠા જ તમામ કામકાજ સંભાળશે તેવી વિગતો મળી રહી છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો આજે સવારે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાના સામાન્ય લક્ષણો સામે આવ્યા છે. આમ તેઓ પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. તેઓ છેલ્લા પાંચ મહિનાથી જિલ્લામાં કોરોના સામેની લડતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યાં હતા. અંતે તેઓ પણ કોરોનાથી સંક્રમિત થતાં હોમ આઈસોલેટ થયા છે. તેઓના જણાવ્યા મુજબ હવે તેઓ ઘરે રહીને જ કલેકટર કચેરીનું કામકાજ સંભાળશે અને સમગ્ર જિલ્લાની કોરોનાની પરિસ્થિતિ ઉપર નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી છે. લોકડાઉન વખતે તેઓ કચેરી ખાતે રાત્રે મોડે સુધી રહીને તમામ કામકાજ નિષ્ઠાભેર કરતા હતા. લોકડાઉન દરમિયાન તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની રહેલી પાસની કામગીરીમાં પણ તેઓના માર્ગદર્શન અને સુચન મુજબ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ખુબ સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છેલ્લા પાંચ મહિનાથી તેઓએ જિલ્લામાં કોરોના સામે જે લડત ચાલી રહી છે તેમાં આગવી કુશળતાથી નેતૃત્વ પૂરું પાડ્યું છે. આજરોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઈસોલેટ થયા છે અને હવે તે ઘરેથી પોતાની ફરજ અગાઉની જેમ જ નિષ્ઠાભેર બજાવશે.