દર મહિને ઝુંબેશરૂપે ૨૫૦થી વધુ કેસોની સુનાવણી હાથધરી પેન્ડીંગ કેસો નિકાલ કરવાનું લક્ષ્ય
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની અપીલ શાખામાં વર્ષોથી પેન્ડીંગ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય નવનિયુકત જિલ્લા કલેકટર દ્વારા ઝુંબેશરૂપી કામગીરી કરી બે મહિનામાં બેવડી સદી ફટકારી ૧૯૯૧થી લઈ અત્યાર સુધીના ૨૦૦ જેટલા કેસોનો નિર્ણય કરી પડતર કેસોનો નિકાલ કરાયો છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સોની વાતચીતમાં જણાવ્યુંં હતું કે, કલેકટર કચેરીની અપીલ શાખામાં રીવીઝન કેસ, અપીલ કેસ સહિતના અનેક કેસોનો વર્ષોથી ભરાવો થયો છે અને અનેક કિસ્સામાં તો અપીલ કરનાર અરજદાર જીવીત નથી. આ સંજોગોમાં તેઓએ પડતર અપીલ કેસોનો ફટાફટ નિકાલ કરવા દર અઠવાડિયે ૬૫થી વધુ કેસ બોર્ડ પર લઈ સુનાવણી હાથ ધરવાનું શરૂ કરતા છેલ્લા બે મહિનામાં જ ૫૦૦ જેટલા કેસોની સુનાવણી હાથ ધરી ૨૦૦ જેટલા કેસોમાં તો નિર્ણય પણ આપી દીધા છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧૯૯૧થી લઈ અત્યાર સુધીના હજારી વધુ કેસ મહેસુલ અપીલ શાખામાં પેન્ડીંગ પડેલા છે. તેમાં પણ દર મહિને વધુને વધુ કેસોનો ભરાવો થઈ રહ્યો હોય આ કેસોનો જો સમયસર નિકાલ કરવામાં ન આવે તો ન્યાયીક પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. પરિણામે લોકોને ઝડપી ન્યાય મળતો નથી જેના કારણે તેઓ સતત અપીલ કેસોના નિકાલ કરવાની બાબતને લક્ષ પર રાખી આગામી ત્રણેક માસમાં પડતર કેસોનો સંપૂર્ણપણે નિકાલ કરવાનું ધ્યેય રાખ્યું હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન અપીલ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં અપીલ કેસોની ઝડપભેર સુનવણી થઈ રહી છે અને જે જે કિસ્સામાં અરજદારો હાજર ન રહેતા હોય તેવા કિસ્સામાં સરકાર પક્ષે ફટાફટ નિર્ણય લઈ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી આવનારા દિવસોમાં અપીલ શાખામાં પડતર કેસોની સંખ્યા શુન્ય થઈ જશે.