- ધો.10 અને ધો.12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ઉત્કૃષ્ટ પરિણામ બદલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર અને ચેક અર્પણ કર્યો
- સફાઈ કામદારોના સંતાનોની ઝળહળતી સફળતાંને બીરદાવતા જિલ્લા કલેક્ટર
- અનુક્રમે રૂ.21,000 તેમજ રૂ.11,000નો ચેક કરાયો અર્પણ
ગીર સોમનાથ : તા.13 જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા સેવા સદન ખાતે સફાઈ કર્મચારીના આશ્રિત સંતાનોને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ બીરદાવ્યાં હતાં.
કલેક્ટરએ બોર્ડની પરીક્ષામાં અવ્વલ પરિણામ બદલ વિદ્યાર્થીનીઓને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા અપાયેલા પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરી બન્ને વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી અને કારકિર્દીમાં જ્વલંત સફળતા મેળવે એવી શુભકામનાઓ પાઠવી હતી.
કલેક્ટરએ વિદ્યાર્થીની ઉર્વશી બેરડિયા તેમજ હેત્વી સોલંકીને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા અનુક્રમે અપાયેલા રૂ.21000 તેમજ રૂ.11000નો ચેક તેમજ પ્રમાણપત્ર આપ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, કોડિનારના રહેવાસી ઉર્વશી બેરડિયાએ વર્ષ 2024માં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 85.54% સાથે ઉત્તીર્ણ થઈ અને સફાઈ કામદારના આશ્રિતો પૈકી સમગ્ર રાજ્યમાં દ્વિતિય સ્થાન અને વેરાવળની રહેવાસી હેત્વી સોલંકીએ વર્ષ 2024 માં ધો.10 ની પરીક્ષામાં 92.83% સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારના આશ્રિતો પૈકી સમગ્ર રાજ્યમાં તૃતિય ક્રમાંક મેળવ્યો છે.
અહેવાલ :અતુલ કોટેચા