ડાંગર, મકાઈ, બાજરી ખરીદીના ૨૪ કલાકમાં જ ખેડુતોના ખાતામાં સીધી ચુકવણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ડાંગર, મકાઈ અને બાજરીની બજાર કરતા ઉંચા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરતા સરકારને અભિનંદન પાઠવતા જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ સંયુકત જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનાજના ભાવો ખુલ્લા બજારમાં નીચા જાય તો ખેડુતોને નુકસાન ન થાય તે માટે દુરંદેશી વાપરીને ખેડુતોના પરસેવાથી વાવેલા અનાજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે થઈ બજાર કરતા ઉંચા ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરી વાવતા ખેડુતો પાસેથી સીધુ ઉત્પાદન ખરીદી કરવાનું નકકી કરતા ખેડુતોને ખુબ જ મોટો ફાયદો થશે.
અનાજના ભાવો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષએ ખુબ જ મોટો ભાવવધારો ટેકાનો જાહેર કરીને ખરીદી કરવામાં આવશે જેનો સીધો લાભ લાખો ખેડુતોને મળશે. પાક પકવતા વિસ્તારોમાં ૧૪૨ એપીએમસી કેન્દ્રો પરથી બજાર કરતા ઉંચા ટેકાના ભાવે અનાજ ખરીદીનો શુભારંભ કરવામાં આવનાર છે.
ખેડુતોને પાક વેચાણના નાણા તેમના બેંક ખાતામાં માત્ર ૨૪ કલાકમાં સીધા જમા કરવામાં આવશે. સરકાર દ્વારા ડાંગરની અંદાજીત ૧ લાખ મેટ્રિક ટન, મકાઈની ૫૦ હજાર મેટ્રિક ટન અને બાજરીની ૫૦ હજાર મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવનાર છે. ખેડુતલક્ષી નિર્ણય થતા ખેડુતોએ તથા રાજકોટ જીલ્લા ભાજપાના તમામ હોદેદારોએ વિજયભાઈ પાણી અને નિતીનભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે.