અયોધ્યાપુરી રોડમાં પાણી નિકાલની વ્યવસ્થા ગોઠવી કામ કરવા તેમજ પંચાસર રોડનું સમયસર કામ પૂર્ણ કરવા રજુઆત
મોરબીના પંચાસર રોડ તેમજ અયોધ્યાપુરી રોડના નવીનીકરણ અને ઝડપી કામગીરી માટે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખને રજુઆત કરી સત્વરે કામગીરી કરવા ભલામણ કરવામાં આવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના જણાવ્યા મુજબ શનાળા રોડ થી શરૂ થતો અયોધ્યાપૂરી રોડ છેક જાડેશ્વર મંદિર સુધીનો રોડ હાલ ખૂબ બિસ્માર હાલતમાં હોય વાહન અવર-જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખાસ કરીને મોરબી – ૦૨ ને જોડતો આ મુખ્ય રોડ હોય નાના-મોટા વાહનો ખૂબ મોટી સંખ્યામાં આ રોડ ઉપરથી પસાર થતા હોય આ રોડ વહેલી તકે બનાવવાની જરૂર છે. સાથે ડિવાઇડર ફરી વખત વ્યવસ્થિત ઊંચું બનાવવાની જરૂર છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખીને પછી રોડ બનાવવો જેથી યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય અને વરસાદી સિઝનમાં થતી સમસ્યા થી કાયમી છૂટકારો મળે.
ઉપરાંત મોરબી – પંચાસર રોડનું કામ ઘણા લાંબા સમયથી ચાલે છે.
તેમાં ખાસ કરીને મોરબી પંચાસર બાયપાસથી મોરબી સીટી લાતીપ્લોટ મેઇન રોડ સુધીનું કામ વર્કઓર્ડર મળ્યા બાદ ખાડાનું ખોદાણ કામ કરીને મૂકી દીધું છે. હાલમાં ઘણા લાંબા સમયથી રોડનું કામ બંધ હોય લોકોને અવર-જવર કરવામાં ખૂબ તકલીફ થાય છે. વાહનોને ત્યાં થી પસાર થવામાં ટ્રાફિકની ભયંકર સમસ્યા થાય છે. જેના કારણે આ રોડ પરની સોસાયટીના લોકો દ્વારા ખૂબ ફરિયાદો આવે છે.
ઉપરોક્ત તમામ મુદ્દે ઝડપી કાર્યવાહી કરીને રોડનું કામ ત્વરિત પૂર્ણ કરવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા અંગત ભલામણ સહ લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ ઉપપ્રમુખને કરવામાં આવેલ હોવાનું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ અને પ્રભારી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય વિજય લોખીલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.