કાર્યાલયને રોશનીથી શણગારાયું હતું તથા આતશબાજી અને મોં મીઠા કરવા સહિતના દ્રશ્યોથી સર્જાયો ઉત્સવ જેવો માહોલ
રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણીઓએ રામ મંદિર ભૂમિ પૂજનના વધામણા કર્યા હતાં. આ પ્રસંગે કાર્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું હતું તથા આતશબાજી અને મોં મીઠા કરવા સહિતના દ્રશ્યોથી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે આતશબાજી તથા પ્રજાજનોને મો મીઠા કરાવીને હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન રામના નિર્માણ થવા જઈ રહેલા ભવ્ય રામ મંદિરના શિલાન્યાસની ક્ષણોને વધાવવા કાર્યકર્તાઓમાં અનેરા આનંદની લાગણી છવાઈ હતી અને જીલ્લા ભાજપા કાર્યાલયને રોશનીથી નવોઢાની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. અને કાર્યાલયમાં ૧૦૧ દિવડા પ્રગટાવીને રામ જન્મ ભૂમિ શિલાન્યાસના ભૂમિપૂજનને ભવ્યાતિભવ્ય રીતે ઉજવીને હર્ષોલ્લાસ છવાયો હતો.
શ્રી રામ કરોડો દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન નિર્મિત થનારા ભવ્યાતિત ભવ્ય મંદિરના ભૂમિ પૂજન પ્રસંગનો ઉત્સાહ રાજકોટ જીલ્લા સહીત ગુજરાત અને રાષ્ટ્રમાં જોવા મળી રહ્યો હતો.
શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસના ભૂમિ પૂજનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ચાલક મોહનરાવ ભાગવતજી, ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને પણ આ શુભ પ્રસંગના ઐતિહાસિક ભૂમિપૂજનના ભાગીદાર બનવા બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હજારો વર્ષોના સંઘર્ષ અને રામભક્તોના બલિદાન તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ભવ્ય રામ મંદિરના નિર્માણનુ દેશની કરોડો જનતાનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણને વધાવવા બાબુભાઈ નસીત, મોહનભાઈ દાફડા, દિનેશભાઈ વિરડા, અરુણભાઈ નિર્મળ, રાજુભાઈ બોરીચા, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર રાજપૂત સહીતના શુભેચ્છકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.