કોરોના વાયરસ અંગે માહિતી મેળવવા હેલ્પલાઇન નંબર ૧૦૪ અથવા કંટ્રોલરૂમ નંબર ૦૨૮૧-૨૪૪૪૬૮૦ પર સંપર્ક કરવો
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના (કોવીડ-૧૯) વાયરસ થી ફેલાતા રોગ અંગે જનજાગૃતિ અર્થે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોરોના વાયરસ જેને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી આ વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં વાયરસનો ફેલાવો ન થાય તે માટે રાજકોટ વહીવટીતંત્રએ આ મુજબ તકેદારી રાખવા જણાવ્યું છે.
જિલ્લાની તમામ ધાર્મિક અને ખાનગી સંસ્થાઓ, સમાજના આગેવાનોને તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે કે લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો અને સામાજિક પ્રસંગો કે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તે હાલ મોકૂફ રાખવામાં આવે. તમામ જગ્યાઓ પર સાફ-સફાઈ અને ચેપ અટકાવવા માટે ઝુંબેશ કરવામાં આવે.
અત્યંત જરૂરી અને અગત્યના કાર્યક્રમો યોજવા હોય તો મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી કાળજી રાખવી અને આવા કાર્યક્રમોમાં આવનાર વ્યક્તિઓ માટે હાથ ધોવાના સાબુ કે સેનીટાઈઝરની વ્યવસ્થા કરવી.
સિનિયર સિટીઝન વ્યક્તિઓએ વધારે કાળજી લેવી. ખાસ કરીને એવા વ્યક્તિઓ જેમને અન્ય બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાયપર ટેન્શન, અસ્થમા વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ ક્વોરોનટાઈનમાં રહેવું. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લાફિંગ ક્લબમાં ન જવું, ટોળામાં ભેગા ન થવું.
જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ નાગરિકોને સોશિયલ ડિસ્ટીંસિંગ (સામાજિક અંતર) સામાન્ય રીતે ૧ મીટર અંતર રાખવા અપીલ કરવામાં આવે છે.
કોરોના વાયરસ અંગે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા આરોગ્ય વિભાગના હેલ્પલાઇન નંબર ૧૦૪ કંટ્રોલરૂમ નંબર ૦૨૮૧-૨૪૪૪૬૮૦ પર સંપર્ક કરવો.
શું કરવું ?
- શ્વાસોશ્વાસની સભ્યતા એટલે કે છીંક કે ઉધરસ વખતે નાક અને મો ઢાકવુ.
- નિયમિત રીતે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા.
- હાથ મિલાવવાનું ટાળવું.
- અન્ય વ્યક્તિને તાવ અને ખાંસી ના લક્ષણ હોય તેનાથી સુરક્ષિત અંતર જાળવવું.
- રોગનાં લક્ષણો જણાય તો ૧૪ દિવસ માટે અલગ રૂમ માં રહેવું.
શું ન કરવું ?
- ભીડભાડ વાળી જગ્યાએ ન જવું.
- ગમે ત્યાં થુકવું નહીં.
- ખાંસી કે છીંક ખુલ્લી હથેળીઓમાં ખાવી નહીં.