પાંચ દિવસ રેશનકાર્ડનાં છેલ્લા અંક મુજબ વિતરણ કરાયા બાદમાં અંતિમ દિવસે અનિવાર્ય કારણોસર બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિતરણ થશે
રાજકોટ જિલ્લામાં આવતીકાલથી નોન એનએફએસએ અને એપીએલ સિવાયનાં કાર્ડધારકોને આવતીકાલથી ફરી રાશનનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ વિતરણ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો મારફતે થવાનું છે. જેમાં પ્રથમ પાંચ દિવસ રાશનકાર્ડનાં છેલ્લા અંકનાં આધારે અનાજ આપવામાં આવશે ત્યારબાદ છઠ્ઠા દિવસે અનિવાર્ય કારણોસર બાકી રહી ગયેલા રાશનકાર્ડ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને અન્ન યોજના અન્વયે અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવિષ્ટ ન થયા હોય તેવા બીપીએલ કુટુંબોને તા.૨૫ થી ૩૦ દરમિયાન વિનામુલ્યે રાશનનો જથ્થો આપવામાં આવનાર છે. જેમાં અંત્યોદય કુટુંબ, અગ્રતા ધરાવતા કુટુંબ તેમજ બીપીએલ કાર્ડધારકોને ૩.૫૦ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા આપવામાં આવશે. આ વિતરણ રાશનકાર્ડનાં છેલ્લા અંકનાં આધારે કરવામાં આવશે જે રાશન કાર્ડનો છેલ્લો અંક એક અને બે હશે તેઓને તા.૨૫નાં રોજ, અંક ૩ અને ૪ માટે તા.૨૬નાં રોજ, અંક ૫ અને ૬ માટે તા.૨૭નાં રોજ, અંક ૭ અને ૮ માટે તા.૨૮નાં રોજ , અંક ૯ અને ૧૦ માટે તા.૨૯નાં રોજ તથા બાકી રહી ગયેલા લાભાર્થીઓ માટે તા.૩૦નાં રોજ વિતરણ થનાર છે.