હાથીખાના શેરી નં.૧૬માં એક પખવાડીયાથી ગંદુ પાણી આવતું હોય મહિલાઓ કોર્પોરેશન કચેરીએ ધસી આવી: મેયરના પી.એ.ને ઉગ્ર રજુઆત
શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના મત વિસ્તાર વોર્ડ નં.૧૪માં હાથીખાના વિસ્તારમાં છેલ્લા એક પખવાડીયાથી દુર્ગંધયુકત અને અતિશય ખરાબ પાણી વિતરણ કરવામાં આવે છે.આ અંગે અનેકવખત રજુઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશનના નિર્ભર તંત્રએ ફરિયાદ સામે ધ્યાન ન આપતા આજે રોષે ભરાયેલી મહિલાઓનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મેયરની ગેરહાજરીમાં તેઓએ મેયરના પીએને ઉગ્ર રજુઆત કરી હતી.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૪માં હાથીખાના શેરી નં.૧૬માં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધયુકત પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજે આ અંગે મેયરને રજુઆત કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, વોર્ડમાં પાણી અને ડ્રેનેજની લાઈન ભેગી થઈ ગઈ હોવાના કારણે નળમાંથી ખુબ જ ગોબરુ પાણી આવે છે.આ અંગે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ અમારી વાતને ગંભીરતાથી નોંધ લેતા નથી. પાણી એટલું ગંધાતું હોય છે કે સવારમાં બ્રશ કરી કોગળા કરીએ તો સાથોસાથ ઉલ્ટી થઈ જાય છે. પીવા માટે મીનરલ વોટર મંગાવી શકીએ તેટલી અમારી આર્થિક સ્થિતિ સક્ષમ નથી. મહાપાલિકાની ચુંટણીવેળાએ ભાજપના નેતાઓ પ્રચાર સહિતના કાર્યક્રમોમાં અમોને સાથે રાખતા હતા. હવે જયારે અમે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ રસ લેતુ નથી.મહિલાઓએ એવો પણ રોષ વ્યકત કર્યો હતો કે, વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડના નિવાસ સ્થાનની પાછળ જ અમારી શેરી આવેલી છે. જયાં ૧૫ દિવસથી ગંધાતા પાણીનું વિતરણ થતું હોય અમે મેયરને ફોન કરીએ છીએ તો તેઓ ફોન ઉપાડતા નથી અને કયારેક ફોન ઉપાડે તો અમારી વાત થોડી ઘણી સાંભળી ફોન કટ કરી નાખે છે. કોર્પોરેશન દ્વારા અમોને નિયમિત ૨૦ મિનિટ પણ પાણી આપવામાં આવતું નથી. કયારે પાણી બંધ કરી દેવામાં આવે ત્યારે નળમાંથી ડ્રેનેજના પાણી ચાલુ જ રહે છે. હવે સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત ઉભી થઈ છે. આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો લાવવા તેઓએ મેયરના પી.એ.ને રજુઆત કરી હતી.