નગરસેવકથી લઈ મ્યુનિ.કમિશનર સુધીની ફરિયાદનું પરિણામ શૂન્ય: હજી સમસ્યા હલ થતા એક પખવાડિયું લાગશે તેવો ઉડાવ જવાબ
શહેરના વોર્ડ નં.૭માં આવેલા જાગનાથ વિસ્તારમાં છેલ્લા એક માસથી અસહય ડહોળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ અંગે વોર્ડના સ્થાનિક કોર્પોરેટરથી લઈ મ્યુનિ.કમિશનર સુધી તમામને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પરીણામ મળ્યું નથી હજી સમસ્યા હલ થતા એક પખવાડિયાથી વધુ સમય વિતી જશે તેવો ઉડાઉ જવાબ મહાપાલિકાના અધિકારીઓ આપી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૭માં કાઠિયાવાડ જીમખાનાની પાછળ આવેલા જાગનાથ શેરી નં.૧૦/૧૪માં સુહાસભાઈ રાણપરા નામના આસામીના વ્રજમોતી નામના મકાનમાં છેલ્લા એક માસથી ડહોળુ પાણીનું વિતરણ થઈ રહ્યું છે. અહીં એક માસ પહેલા ડ્રેનેજની લાઈન તુટી હતી છતાં આજ સુધી આ લાઈન રીપેરીંગ કરવાની તસ્દી લેવામાં આવી નથી તેના કારણે એક જ મકાનમાં ડહોળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે.
આ અંગે સુહાસભાઈએ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરથી લઈ મ્યુનિ.કમિશનર સુધીના અધિકારીઓને ફરિયાદ કરી છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. આગામી ૨૫મી જાન્યુઆરીના રોજ તેઓને ત્યાં અમેરિકાથી ગેસ્ટ આવાના હોય ત્યાં સુધીમાં સમસ્યા હલ થઈ જશે કે કેમ ? તેવું પુછાણ કરતા કોર્પોરેશનના અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે આ સમસ્યા હલ થતા હજુ એક પખવાડીયાથી પણ વધુ સમય વિતી જશે.