કહેવાતા સ્માર્ટ સિટીમાં સામાન્ય વાલ્વ રીપેરીંગમાં પણ કલાકો લાગ્યા !
શહેરના વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી કવાર્ટર વિસ્તારમાં આજે સવારે ૨૦ મિનિટના બદલે સાડા ત્રણ કલાક સુધી પાણી વિતરણ કરવામાં આવતા લતાવાસીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું હતું. કહેવાતા સ્માર્ટ સિટીમાં સામાન્ય વાલ્વ રીપેરીંગના કામમાં પણ કલાકો નિકળી જતા મહામુલા જળનો બેસુમાર વેડફાટ થયો હતો.
વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી કવાર્ટર કુવાવાળી ખોડિયાર મંદિર પાસે નિયમિત વહેલી સવારે ૫:૦૦ વાગ્યે પાણી વિતરણ કરવામાં આવે છે અને ૫:૨૦ કલાકે પાણી બંધ કરી દેવામાં આવે છે. આજે સવારે ૮:૫૦ સુધી પાણી વિતરણ ચાલુ રહેતા અંદાજે સાડા ત્રણ કલાક સુધી પાણી ચાલુ રહેતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી.
આ અંગે સ્થાનિક લોકોએ ગજેન્દ્રસિંહ ઝાલાને ટેલીફોન પર જાણ કરતા તેઓએ વોર્ડના ડીઈઈ એચ.બી.વસાવાને ફોન કર્યો હતો. જોકે તેનો ફોન નો રીસીવ થયો હતો બાદમાં સિટી એન્જીનીયર કામલીયાને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, વાલ્વ ખરાબ થઈ ગયો હોવાના કારણે પાણીનો વેડફાટ અટકાવી શકાશે નહીં.
જયાં સુધી ઝોનમાં પાણી વિતરણ નહીં થાય ત્યાં સુધી ઝોનમાં પાણી ચાલુ રહેશે. રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે સામાન્ય વાલ્વ રીપેરીંગમાં પણ કલાકો નિકળી જાય છે. જેના કારણે પાણીનો બેસુમાર વેડફાટ થાય છે. અગાઉ પણ આ વોર્ડમાં કલાકો સુધી પાણી વિતરણ ચાલુ રાખવામાં આવતા કોન્ટ્રાકટરને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૨ વાર રૂ.૩ હજાર અને ૧ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.